• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

માંડવી બીચ પર નાણાં ખંખેરવાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો

માંડવી, તા. 10 : પ્રવાસીઓને ચુંબકીય બળની જેમ આકર્ષે તેવા અહીંના રમણીય સાગરકિનારે તાજેતરમાં યોજાયેલા બીચ ફેસ્ટિવલે સહેલાણીઓનાં ઘોડાપૂર ઊભરાયાં, તેથી ધંધાર્થીઓના રાજીપા વચ્ચે ગુરુવારે વિન્ડફાર્મ બીચ ઉપર ઘોડેસવારીમાં ભાવની રકઝક અંતે અપ્રિય ઘટના ચર્ચાએ ચડતાં પોલીસે તમામ રાઈડ્સ બંધ કરાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. મહીસાગર જિલ્લાની પ્રવાસી બસ પ્રવાસીઓ, છાત્રો સાથે નાણાં ખંખેરવાના આરોપે મામલો બિચકાવતાં વાત મારામારી અને પોલીસ સુધી પહોંચી હોવાની વિગતો મળી હતી. માહિતગાર સાધનોમાંથી મળેલી જાણકારી પ્રમાણે ગુરુવારે સાંજે પ્રવાસી બસ અહીંના સાગરકિનારે મહાલવા આવી હતી. સંભવત: બસમાં શાળાના છાત્રો હતા. પ્રવાસીઓએ ઘોડેસવારી, ઊંટસવારી, રેતાળ ચાડીકા વગેરેની મોજ માણવા કેટલાક ધંધાર્થીઓ સાથે ભાવતાલ નક્કી થયા હતા. આ પછી કરાયેલા આક્ષેપ મુજબ અંતે વધુ નાણાં ખંખેરવા વધુ રકમ માગવામાં આવતાં વાત વધી પડી અને હાથાહાથની મારામારી સુધી `ગરમી' પ્રસરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની દરમ્યાનગીરી અંતે ફરિયાદ અરજી સ્વરૂપે દર્જ કરાઈ, પરંતુ ફરિયાદ-ગુનો દાખલ કરવાની ઘડી આવી નહીં. આ ઘટના પછી ગઈકાલે (શુક્રવારે) કિનારે એક જ પ્રવાસી બસ દેખાઈ હતી.  પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો પ્રમાણે મહીસાગર જિલ્લાના પ્રવાસી ફરિયાદી ઈન્દ્રજિતસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણની અરજી અનુસંધાને અને જાત પડતાલ પછી સાત ઘોડેસવાર ધંધાર્થીનાં નામ આગળ આવ્યાં હતાં. આ નામોમાં સોનાવાળા નાકા પાસે રહેતા બે, જતનગરના બે રહેવાસી, એક-એક સુમરાવાસ અને રામેશ્વર ચોક પાસે રહેનાર, જ્યારે એક ધંધાર્થી બાગનો રહેવાસી સમાવિષ્ટ જાણવા મળ્યા હતા. તપાસ કરનાર પોલીસ વસરામભાઈ પટેલે પ્રતિભાવમાં કહ્યું હતું કે, અરજી આવેલી, પરંતુ વધારાનાં નાણાં સંબંધિતને પરત કરાવી દેવાયા હતા. ગુનો દાખલ કરાયો નથી. તાકીદ કરાઈ છે. પ્રવાસીઓ પાસેથી નાણાં ખંખેરવાની કેટલીક મનોવૃતાઓ અવાર-નવાર ચર્ચાએ ચડતી રહે છે, પરંતુ કોઈ કચવાટ-રાવ લેખિતરૂપે નહીં આવતાં લોભિષ્ટોને ભાવતું મળી રહે છે. આ ઘટના પછી કિનારા ઉપરની તમામ રાઈડ્સ પોલીસે અટકાવી દીધી હોવાથી માનવ મહેરામણથી ઊભરાતો કિનારો સુનો ભાસવા લાગ્યો. ધંધાર્થીઓની ઘરાકી-ખુરશીઓ ખાલી દેખાઈ રહી હતી. વેરો ઊઘરાવનાર નગરપાલિકાએ સહેલાણીઓની સુખાકારી, સુવિધા અર્થે પર્યાપ્ત પ્રાવધાનો અસ્ખલિત રાખવાની માંગ પ્રવાસીઓએ કરી હતી. કહે છે કે, મહીસાગરના ફરિયાદી પ્રવાસીએ આ ઘટના ટૂરિઝમ વિભાગ સુધી પહોંચાડતાં પ્રવાસન વિભાગ હરકતમાં આવ્યો હતો. સોનાંની લહાયમાં સોનાંની મરઘી ચાવી જવી પ્રવાસનનાં હિતમાં નથી. 

Panchang

dd