ભુજ, તા. 9 : તાલુકાના મેઘપરથી ભુજ તરફ ભુજ-માંડવી
ધોરીમાર્ગ પર કાર અને પિકઅપ જીપકાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે
ઈજા પામેલા કારચાલક ધીરેન્દ્ર પ્રવીણચંદ્ર પાંડેનું મોત થયું હતું. આ બંને વાહનની ટક્કર
એટલી જોરદાર હતી કે, કારનો બુકડો
બોલી ગયો હતો. બીજી તરફ મુંદરા તાલુકાના વવાર ગામના માર્ગે બાઈકથી જઈ રહેલા અરવિંદસિંહ
જીતુભા જાડેજા (ઉ.વ. 30) નામના યુવકને
ટ્રેઈલરે હડફેટે લેતાં તેનું મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં
લખાવાયેલી વિગતો મુજબ, હતભાગી ધીરેન્દ્ર
પાંડે તેમના પત્ની શ્યામાબેન કાર નં. જીજે 12 ડીજી 0979 લઈને ભુજથી
માંડવી જઈ રહ્યા હતા ત્યારે મેઘપર નજીક પહોંચતાં સામેથી આવતી જીજે 12 સીવી 0132વાળી શાકભાજી ભરેલી પિકઅપ જીપકાર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ઘટનામાં
પાંડે દંપતી ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે ધીરેન્દ્ર પાંડેને
મૃત જાહેર કર્યા હતા, જ્યારે તેમના પત્ની હાલ સારવાર હેઠળ હોવાની
વિગતો તેમના પુત્રએ લખાવી હતી. બંને વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. બીજી બાજુ પ્રાગપર પોલીસે આપેલી વિગતો
મુજબ, વવાર ગામની સીમમાં મંછાબાબા હોટેલની સામે હતભાગી અરવિંદસિંહ
બાઈકથી જઈ રહ્યા હતા, ત્યારે ઓવરટેક કરતી વેળાએ પાછળથી પૂરપાટ
ઝડપે આવતા ટ્રેઈલરે તેને હડફેટે લીધા હતા, જેમાં આ યુવકને ગંભીર
ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે તાત્કાલિક અંજાર સીએચસી ખાતે ખસેડાયો હતો,
જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બાબતે પોલીસે ગુનો
નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.