ભુજ, તા. 9 : ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં
નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડયા બાદ અમુક દાગીના પરત
મેળવાયા હતા, જ્યારે બાકીના ઘરેણાંની
કબૂલાત આપતાં તે પણ રિકવર કરાયા હતા. આ મામલે પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપી હીરા રમેશ વડેચા (દેવીપૂજક), ભરત કમલેશ દેવીપૂજક
અને બાબુ ઉર્ફે બબુ કેશાભાઈ કુવરિયાએ ગત ઓક્ટોબર-2025માં રૂા. 12,17,250ના ઘરેણાની ચોરી કરી હતી. પોલીસે
હાથ ધરેલી તપાસમાં આરોપીઓ પકડાયા હતા અને ચોરી કરેલા પૈકી કેટલાક દાગીના અંગે કબૂલાત
આપતાં તે રિકવર કરાયા હતા, જ્યારે એક
સોનાના મંગળસૂત્ર અને એક સોનાના સેટ બાબતે કબૂલાત આપતાં તે પણ રિકવર કરાયા હતા. આમ,
કુલ રૂા. 12.17 લાખના ઘરેણાની
ચોરી અંગે આરોપીઓએ કબૂલાત આપતાં તમામ મુદ્દામાલની સંપૂર્ણ રિકવરી કરી ચોરી અંગેના ગુનાનો
ભેદ ઉકેલ્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.