માંડવી, તા. 9 : 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિનો
દિવસ જેમ નજીક આવે છે તેમ પતંગવીરોમાં ઉત્સાહ વધતો જાય છે, ત્યારે માંડવી વિસ્તારમાં ચાઈનીઝ દોરનું ધૂમ વેચાણ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માંડવી
પાસેના સલાયા વિસ્તારમાં નાનાં બાળકની ડોકમાં ચાઈનીઝ દોર વીંટળાઈ જતાં તરત હોસ્પિટલ
ખસેડવાની જરૂરત પડી હતી, લોહીલુહાણ બાળકને જોનારાઓએ પ્રતિબંધિત
હોવા છતાં વેચાતી ઘાતક ચાઈનીઝ દોર અંગે લાગતા વળગતા વિભાગો દ્વારા કાર્યવાહી થવી જોઈએ
તેવું જણાવ્યું હતું. ચાઈનીઝ દોર ભાવમાં સસ્તી હોવાથી સહેલાઈથી વેંચાતી હોવાથી ગ્રાહકો
પ્રથમ તેની ઉપર પસંદગી ઉતારે છે. આ દોરીથી નાના બાળકો જ નહીં મોટાઓની પણ આંગળીઓ કપાઈ
જાય છે. દરમ્યાન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પી. આઈ. બારોટ તથા વી. વી. ભોલાનાં માર્ગદર્શન
હેઠળ દીક્ષાંતભાઈ, હરદીપાસિંહ, રામભાઈ,
કિરણભાઈ વિગેરેએ અલગ-અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરતાં હજીરા રોડ પર હરેશગર
દેવગર ગુંસાઈ પાસેથી ચાઈનીઝ દોરી મળી આવતાં તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હતી. પોલીસે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, કોઈ પણને ચાઈનીઝ
દોરનાં વેચાણ અંગેની માહિતી મળે, તો તાત્કાલિક તંત્રને જાણ કરવી
જેથી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
શહેરના વોર્ડ નં. 4 માં નગરસેવકોએ
પોલીસની ઉપસ્થિતિમાં દોરથી થતી ઈજાથી બચવા સુરક્ષા કવચ લગાડાયા હતા.