ગાંધીધામ, તા. 1 : ભચાઉ
તાલુકાના જૂના કટારિયા નજીક સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ ઉપર આજે વહેલી સવારે પ્રચંડ
ધડાકા સાથે ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં ધડાકા સાથેની આગ હોટેલના પાર્કિંગમાં
ઊભેલાં અન્ય વાહનો સુધી પ્રસરી ગઈ હતી, જેનાં કારણે અન્ય પાંચ વાહન પણ સળગીને
ભસ્મીભૂત થયાં હતાં. એલપીજી ભરેલાં ટેન્કરમાં ધડાકાથી વાહનના પુરજા છેક અડધા કિ.મી.
સુધી દૂર ફેંકાયા હતા. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ગાંધીધામ - કંડલાથી એલપીજી ભરીને એક ટેન્કર મોરબી બાજુ જવા નીકળ્યું હતું. આ ટેન્કર
આજે વહેલી પરોઢે સામખિયાળી-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જૂના કટારિયા નજીક કરણી હોટેલ
પાસે પહોંચ્યું હતું. દરમ્યાન ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર
પલટી ગયું હતું અને રોડ પર ઢસડાયું હતું, જેમાં સ્પાર્ક થતાં
અને ટેન્કરનો એકાદ વાલ્વ તૂટી ગયો હતો. બનાવની જાણ થતાં સૌપ્રથમ ભચાઉ પાલિકાની અગ્નિશમન
દળની ટીમ અહીં પહોંચી આવી હતી. બાદમાં ગેસ ઈન્ડિયા, ગાંધીધામ
ઈઆરસી તથા મોરબીના લાયબંબા પણ અહીં આવી પહોંચ્યા હતા. અગ્નિશમન દળોએ સતત પાણીનો મારો
ચલાવ્યો હતો. આ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી રહ્યા હતા, ત્યારે આ પાંચ વાહનમાં પણ પાંચેક વખત નાના-મોટા ધડાકા થયા હતા. અગ્નિશમન દળના
જવાનોએ જીવના જોખમે પાણીનો સતત મારો ચલાવી સવારે 11 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. દરમ્યાન પ્રચંડ
ધડાકા અને આગને કારણે મોરબી બાજુ જતા માર્ગ ઉપર 12 કિ.મી.
સુધી ટ્રકની લાઈન લાગી હતી. આ ટ્રાફિકને પૂર્વવત થતાં કલાકો લાગ્યા હતા. સામખિયાળી
પોલીસે ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ કરાવી હતી. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં
સૌ કોઈએ હાશકારો લીધો હતો. અગાઉ રાજસ્થાનમાં આવા બનાવથી લોકોને જીવ ખોવાનો વારો આવ્યો
હતો. આ અંગે સામખિયાળી પીઆઈ પી. કે. ગઢવીનો સંપર્ક કરતાં ટેન્કરચાલકનો બચાવ થયો હોવાનું
અને બપોરે તે પરત આવી ગયો હોવાનું જણાવ્યું હતું. તેની વિરુદ્ધ બેદરકારી સહિતની કલમો
તળે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. અગ્નિશમનની કામગીરીમાં
પ્રવીણભાઈ દાફડા, તેમની ટીમ તથા અન્યો જોડાયા હતા. પ્રચંડ ધડાકા સાથે ટેન્કરમાં
આગના આ બનાવથી આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા.
સ્થિતિ પામી જતાં ચાલક કૂદ્યો
અકસ્માત
બાદ સ્થિતિ જાણી જતાં ટેન્કરચાલક બહાર નીકળીને કૂદીને બહાર નાસી ગયો હતો. જાનને ખતરો
હોવાનું જાણીને આ ચાલક દૂર જઈને ઊભો રહી ગયો હતો. બાદમાં ગભરાઈ જતાં ત્યાંથી નાસી ગયો
હતો. બધું શાંત પડયા બાદ ચાલક મળી આવ્યો હતો.
અન્ય પાંચ વાહન પણ ચપેટમાં
ટેન્કરમાં
લાગેલી આગની જ્વાળાઓ કરણી હોટેલના પ્રાંગણમાં ઊભેલા પાઈપ, સિલિકા માટી ભરેલા અન્ય પાંચ ટ્રેઈલરમાં પહોંચી હતી. ટેન્કરમાં ધડાકાથી આ અન્ય
વાહનોના સૂઈ રહેલા ચાલકો કેબિન મૂકીને દૂર ચાલ્યા ગયા હતા અને જોતજોતાંમાં આ અન્ય પાંચ
વાહનમાં પણ આગે પકડ જમાવી લીધી હતી.
ટેન્કરના પુરજા અડધો કિ.મી. દૂર ફેંકાયા
ટેન્કરમાં
સ્પાર્ક થતાં ધીમે ધીમે આગ લાગી હતી અને ટેન્કર ગરમ થતાં 15-20 મિનિટ બાદ પ્રચંડ ધડાકો થયો હતો, જેનાં કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી નજરે પડતી
હતી તેમજ પ્રચંડ ધડાકાનો અવાજ છેક સુધી સંભળાયો હતો. જોરદાર ધડાકાથી ટેન્કરના સ્પેરપાર્ટસ
(પુરજા) અડધો કિ.મી. દૂર જઈને પડયા હતા. આ ધડાકાથી આસપાસનાં વાહનોમાં સવાર લોકોના જીવ
પડીકે બંધાયા હતા.