ગાંધીધામ, તા. 10 : અંજારના
મેઘપર બોરીચી-લીલાશાહ ફાટક નજીક વાડો બનાવી તેમાં કેબિન રાખીને અંગ્રેજી દારૂ
પીરસાઇ રહ્યો હતો. આ મિની બાર પર પેલીસે દરોડો પાડી એક શખ્સને રૂા. 14,000ના
શરાબ સાથે પકડી પાડયો હતો. મેઘપર બોરીચી-લીલાશાહ ફાટક નજીક બાવળની ઝાડીની આડમાં
વાડો બનાવી તેમાં જવા માટે પગદંડી બનાવાઇ હતી અને વાડામાં લાકડાંની કેબિન મૂકી
લોકોને દારૂ પીવા બાર જેવું વાતાવરણ ઊભું કરાયું હતું. અહીં દારૂ વેચતા તુલસીધામ
સોસાયટીના હાર્દિક પ્રવીણ જોશીની પોલીસે ધરપકડ કરી હતી. હાર્દિક પાસેથી ઓલ સિઝન
બ્રાન્ડની 750 મિ.લી.ની 14 બોટલ કિંમત રૂા. 14,000નો
દારૂ જપ્ત કરાયો હતો. આ શખ્સને દારૂનો જથ્થો મેઘપર બોરીચીના વિજય શિવજી સંઘાર, આનંદ શિવજી સંઘાર નામના
ભાઇઓ આપી ગયા હતા. પોલીસ કાર્યવાહી દરમ્યાન આ બે ભાઇ હાથમાં આવ્યા નહોતા. તેમને ઝડપી
પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી
છે.