ભુજ, તા. 10 : ધો. 6માં
અભ્યાસ કરતી 11 વર્ષીય સગીરા સાથે ટયૂશન ક્લાસીસના સંચાલક અબ્બાસ ખબીર મંડલ
(ઉ.વ. 65, રહે. મૂળ પશ્ચિમ બંગાળ હાલે માધાપર)એ
શારીરિક અડપલાં સાથે જાતિય હુમલો કર્યાના 11 માસ અગાઉના આ ધૃણાસ્પદ બનાવમાં
આરોપી અબ્બાસને પાંચ વર્ષની સખત કેદ તથા 85 હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો
ચુકાદો અદાલતે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો એવી છે કે, આરોપી અબ્બાસ મંડલ તેના
માધાપર સ્થિત રહેણાંક મકાનની પાસે ટયૂશન ક્લાસ ચલાવતો હતો જ્યાં તેની પાસે ટયૂશને
ધો. 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય સગીરા જતી હતી. રાબેતા
મુજબ તે તા. 1/1/25ના બપોરે ટયૂશન ગઇ હતી ત્યારે અન્ય
વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. આથી આરોપીએ તેનો ગેરલાભ ઉઠાવી સગીરા સાથે શારીરિક અડપલાં
કરી જાતિય હુમલો કરી અને આ વાતની કોઇને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ
બાબતે સગીરાના વાલીએ માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતાં પોલીસે પોક્સો, છેડતી જેવી વિવિધ કલમ
તળે ગુનો નોંધી તપાસના અંતે પી.આઇ. ડી. એમ. ઝાલાએ ચાર્જશીટ તૈયાર કરી અદાલતમાં
મૂકી હતી. આ કેસ ભુજની અદાલતમાં સ્પે. જજ જે. એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં સાત દસ્તાવેજી
પુરાવા તથા આઠ સાક્ષી તપાસી જુદી જુદી કલમમાં આરોપી અબ્બાસ મંડલને તક્સીરવાન ઠેરવી
કુલ મળીને પાંચ વર્ષની સખત કેદ તથા રૂા. 85 હજારનો દંડ ફટકારી આ દંડ ભોગ
બનનારને વળતર ચૂકવવા હુમલો કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને એક લાખ રૂપિયાનું વળતર
ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવા તેમજ ભોગ બનનારનો જીવન તથા શિક્ષણ સારી રીતે
પુન:સ્થાપિત થાય તેની કાળજી લઇ યોગ્ય માર્ગદર્શન આપવા સી.ડબલ્યુ.સી. તથા
ડી.સી.પી.યુ.ને હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ
એચ. બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસીને દલીલો કરી હતી.