• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અંતરજાળમાં 7.40 લાખની મતાની ઘરફોડી

ગાંધીધામ, તા. 10 : તાલુકાના અંતરજાળ ગામના ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનના પાછળના દરવાજા વાટે આવેલા તસ્કરોએ અંદરથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા એમ કુલ રૂા. 7,40,000ની મતાનો હાથ મારી પલાયન થયા હતા. ધોળા દિવસે લાખોની ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. અંતરજાળના ઘનશ્યામ નગર વિસ્તારમાં પ્લોટ નંબર 47માં રહેતા ફરિયાદી બાબુ હમીર આહીર અને તેમનો પરિવાર આ બનાવનો ભોગ બન્યા હતા. આ આધેડ અંતરજાળની માધવવિલા સોસાયટીમાં પ્રોવિઝન સ્ટોર તથા મિનરલ વોટર પ્લાન્ટ બે દીકરાઓ સાથે ચલાવે છે. તેમના દીકરા સાહિલનાં પત્ની ત્રણેક દિવસથી યશોદાધામ ખાતે ગયા છે. ગઈકાલે સવારે બે દીકરા સહિત અને નિખિલ પાણીના પ્લાન્ટે ગયા હતા, જ્યારે ફરિયાદી અને ગીતાબેન નંદગામ ખાતે ભાગવત કથામાં જવા નીકળ્યા હતા. તેમણે પોતાના ઘરને તાળાં મારી ભરતભાઈની ગાડીમાં સવાર થઈને નંદગામ પહોંચ્યા હતા, ત્યાં કથા સાંભળ્યા બાદ ઢળતી બપોરે પાછા ઘરે આવ્યા હતા, ત્યારે બંને પુત્ર પણ ઘરે આવી ગયા હતા, જે પૈકી એક હોલમાં તથા એક બેડરૂમમાં સૂતેલા જણાયા હતા. ફરિયાદી આધેડે અન્ય એક રૂમની સ્ટોપર ખોલીને અંદર જતાં તેમાં કપડાં વેરવિખેર જણાયાં હતાં અને પાછળનો દરવાજો ખુલ્લો જણાયો હતો, જેથી તેમણે કબાટમાં તપાસ કરતાં તેમાંથી રૂપિયા અને દાગીના ગુમ જણાયા હતા. તેમના બંધ મકાનમાં ધોળા દિવસે પાછળના દરવાજા વાટે આવેલા તસ્કરોએ બેડરૂમના કબાટને ખોલીને તેમાંથી સોનાની ચાર બંગડી, સોનાની ત્રણ ચેઈન, સોનાની ત્રણ વીંટી તથા રોકડ રૂા. 1,70,000 એમ કુલ રૂા. 7,40,000નો હાથ મારીને નાસી ગયા હતા. ફરિયાદીએ પોતાના બંને દીકરાને જગાડતાં તેઓ બપોરે સાડા ત્રણના અરસામાં સાથે ઘરે આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગઈકાલે સવારથી બપોરના અરસામાં બનેલા આ બનાવ અંગે આદિપુર પોલીસે આજે બપોરે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં બુકાની, ચડ્ડીધારી ગેંગના અમુક સભ્યો ઝડપાયા બાદ પણ ઘરફોડ સહિતની ચોરીના બનાવો અટક્યા નથી. આ પહેલાં પણ અનેક ચોરીના બનાવો પોલીસના ચોપડે ચડયા છે, જે પૈકી અમુકનો ભેદ ઉકેલાયો છે, તો અનેકની ફાઈલો ધૂળ ખાય છે. ન નોંધાયેલા બનાવો તો અસંખ્ય હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

Panchang

dd