ભુજ, તા. 10 : ભુજોડીના
શખ્સને 25 દિવસની સિવિલ જેલનો હુકમ દીવાની
કોર્ટે આપ્યો છે. આ કેસની વિગતો એવી છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માધાપર બ્રાન્ચમાંથી
ડાહ્યાલાલ ભીમજી ખારેટ વણકર (રહે. ભુજોડી, તા.ભુજ)એ ધિરાણ મેળવ્યા
બાદ લોનની રકમ ન ભરતાં બેંક દ્વારા પ્રતિવાદી વિરુદ્ધ કોર્ટમાં હુકમનું પાલન કરાવવા
તામીલ દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવી તેમ છતાં લોનની રકમ ન ભરાતાં કોર્ટ દ્વારા હુકમનામાંના
ઈરાદાપૂર્વક અનાદર માટે 25 દિવસની
સિવિલ જેલમાં બેસાડવાનો ધાક બેસાડતો ચુકાદો સિવિલ જજ (એસ.ડી.) કે.સી. જોષીએ આપ્યો છે.
બેંક વતી ભુજના એડવોકેટ કે. એચ. વૈશ્નવ હાજર રહી રજૂઆત કરી હતી. હુકમનું પાલન કરાવવા
માટે વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું
ચેક
પરતના જુદા-જુદા ત્રણ કેસમાં આરોપીઓ નિર્દોષ
ચેક
પરત ફરવાના જુદા-જુદા ત્રણ કેસમાં ત્રણે આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. ફરિયાદી વિનોદ
કાકુ રાજગોર (રહે. બિદડા)એ આરોપી ભાવનાબેન લક્ષ્મીદાસ રાજગોર (રહે. બિદડા)ને બિદડાના
રિદ્ધિ-સિદ્ધિના પ્લોટ નં.57 સંબંધે
14 લાખ રૂપિયા આપ્યા હતા. ફરિયાદીને પ્લોટ ન મળે તો રૂા.
14 લાખ પરત આપવા સંબંધે આરોપીએ ફરિયાદીને આપેલો ચેક પરત
ફરતાં કેસ દાખલ થયો હતો. જેમાં માંડવી કોર્ટે આરોપી ભાવનાબેનને નિર્દોષ છોડી મૂકવા
હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરીકે અલ્તાબગની એસ.ચાવડા હાજર રહ્યા હતા. અન્ય કેસમાં
બિદડાના પટેલ ઈશ્વરલાલ કાનજી વિરુદ્ધ મોતા હસ્તાબેન શંભુલાલ દ્વારા એવો કેસ કરવામાં
આવ્યો હતો કે ઈશ્વરલાલ તેમના પતિ શંભુલાલ પાસેથી રૂા. 2,60,000 ધંધાની જરૂરિયાત માટે લઈ ગયા હતા અને ચેક આપી ગયા હતા.
આ ચેક પરત ફરતાં ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં આરોપી ઈશ્વરલાલને નિર્દોષ છોડી
મૂકવાનો હુકમ માંડવી કોર્ટે કર્યો છે. આ કેસમાં ઈશ્વરલાલના એડવોકેટ તરીકે પુપુલ એસ.
સંગાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય કેસની વિગતો એવી છે કે, ફરિયાદી હિતેન્દ્રસિંહ ભવુભા ઝાલા (રહે. આદિપુર)એ આરોપી હાર્દિક જિતેન્દ્રકુમાર
વોરા (રહે. સુરેન્દ્રનગર)ને મિત્રતાના સંબંધે બે લાખની લોન આપી હતી, જેનો ચેક આપ્યો હતો. આ ચેક `સ્ટોપ
પેમેન્ટ'ના શેરા સાથે પરત ફરતાં કેસ દાખલ થયો હતો, જેમાં અધિક જ્યુ. મેજિ. જજ એ. શાહુએ આરોપી હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા હતા.
આરોપી હાર્દિક વતી વકીલ તરીકે હિંમત એન. ડુંગરાણી અને તેમની સાથે હરસિદ્ધિ ગોસ્વામી
હાજર રહ્યા હતા.
પી.જી.વી.સી.એલ.એ
કરેલો લેણી રકમનો દાવો નામંજૂર
પી.જી.વી.સી.એલ.
માંડવી દ્વારા માનકૂવા (તા. ભુજ) મધ્યે રહેતા અરવિંદ કુંવરજી પુંજાણી વિરુદ્ધ રૂા.
41,690ની લેણી રકમ વાર્ષિક 18 ટકાના વ્યાજ સાથે વસૂલવા સંદર્ભે માંડવી સિવિલ કોર્ટ
સમક્ષ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. દાવા અરજી એડિશનલ સીવીસ જજ એમ.એસ. ગેલોદ દ્વારા
નામંજૂર કરવામાં આવી છે. આ કેસમાં પ્રતિવાદી અરવિંદના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર તથા વિનય પી. મોતા
હાજર રહ્યા હતા.
ખેતીની
જમીનની વારસાઈ નોંધ રદ
ભુજ
તાલુકાના કોડકીની સીમમાં આવેલા રે. સર્વે નં 279/1/પૈકી
2 તથા 280/પૈકી2 વાળી ખેતીની જમીન ભુજના ચિંતનભાઈ રમેશચંદ્ર મહેતાએ
રજિસ્ટર્ડ દસ્તાવેજથી તેના માલિક જાદવજી કુંવરજી હાલાઈ (રહે. કોડકી તા.ભુજ) પાસેથી
ખરીદી હતી. આ ખેતીની જમીન ઉપર બોજો ચડેલો હોવાથી ચિંતનનાં નામે નોંધ પાડવાની બાકી હતી.
તે દરમ્યાન જાદવજી હાલાઈનું મરણ થતાં નોંધ પાડવાની રહી ગઈ હતી. આ બાદ જાદવજી હાલાઈના
વારસદારો પ્રેમિલાબેન જાદવજી હાલાઈ વિગેરેએ પોતાની બીજી ખેતીની જમીન સાથે સર્વે નં.279 અને 280વાળી
જમીનમાં વારસાઈ એન્ટ્રી પ્રમાણિત કરાવી લીધી. આથી ચિંતન મહેતાએ ડેપ્યુટી કલેક્ટર, ભુજના સમક્ષ અપીલ કરી અને વાદગ્રસ્ત કોડકી હક્કપત્રકની નોંધ નં. 2054 રદ કરવાનો હુકમ ડેપ્યુટી કલેકટર ભુજએ કર્યો છે. એપેલન્ટના
તરફે એડવોકેટ ભરતભાઈ વી. શેઠ હાજર રહ્યા હતા.