ગાંધીધામ, તા. 10 : પૂર્વ
કચ્છમાં શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-અંગ્રેજી દારૂ પીરસાઇ રહ્યો છે. અનેક
જગ્યાએ શરાબના પોઇન્ટ ધમધમી રહ્યા છે. અમુક જગ્યાએ આવા અડ્ડા બંધ કરાવવા લોકોએ
લેખિત અરજીઓ પણ આપી છે, છતાં કોઇ નક્કર અને કડક કાર્યવાહી ન થતી હોવાનું સમજાય છે. આર્થિક નબળા
લોકોને વધુ પાયમાલ કરનારી આ બદી ક્યારે અટકશે તે પ્રશ્ન છે. છેલ્લા કેટલાક સમયથી
પોલીસે નો ડ્રગ્સ ઇન કચ્છ ઝુંબેશ હાથ ધરી છે. દરમ્યાન, દેશી
અને અંગ્રેજી શરાબના અડ્ડા ધમધમતા હોવાનું સમજાય છે. ગાંધીધામના ખોડિયાર નગરમાં
પાણીના પ્લાન્ટમાં, ભારતનગર, મહેશ્વરીનગર
ઝૂંપડપટ્ટી, હોટેલ એમ્પાયર, સુંદરપુરી,
કાર્ગો, કંડલા, ભચાઉ,
સામખિયાળી, આદિપુર, ગાગોદર,
અંજાર વગેરે જગ્યાએ જુદા-જુદા સ્થળોએ લોકોને નશો પીરસાય છે. આવા
અનેક પોઇન્ટ જાહેર સ્થળોએ પણ હોવાથી ત્યાંથી પસાર થવામાં મહિલાઓને રીતસર ભયના ઓથાર
તળે નીકળવાની ફરજ પડે છે. અનેક જગ્યાએ પોટલી ઢીંચીને સાંગુડીઓ ત્યાં જ
પડયા-પાથર્યા રહેતા હોય છે, અનેકવાર કઢંગી હાલતમાં સૂતેલા
હોય છે, અનેકવાર માથાકૂટ, ગાળાગાળી
કરતા નજરે પડે છે. આ બધું પોલીસ તંત્રના ધ્યાને હોવા છતાં રજૂઆતો છતાં જોઇએ ધાક
બેસાડતી કાર્યવાહી થતી નથી તે લોકોની કમનસીબી છે. અમુક જગ્યાએ લોકોએ જનતારેડ કરવા
સુધીની ચીમકીઓ પણ આપી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું
નથી. આર્થિક નબળા લોકોને તમામ રીતે ખતમ કરનાર આ બદી ક્યારે અટકશે તે પ્રશ્ન છે.
આવા અડ્ડાઓ પાસેથી પસાર થતી વેળાએ જાગૃત નાગરિકો પૂછતા હોય છે દારૂબંધી... ક્યાં
છે ? તે સિવાય એક્ટિવા જેવાં વાહનોમાં દારૂની ડિલિવરી જ્યાં
માગો ત્યાં આપી જવાય છે. અમુક જગ્યાએ કેબિનોમાં, ધોરીમાર્ગ
હોટલોમાં આ નશો પીરસાય છે. લોકોને પાયમાલ કરનાર આ બદીને નાથવી હોય તો છેક સુધી જઇ
તેના મૂળિયા ઉખેડવા પડશે, તો જ આ બદી કાબૂમાં આવશે તેવું
જાગૃત લોકો જણાવી રહ્યા છે.