• બુધવાર, 12 નવેમ્બર, 2025

કચ્છમાં દારૂની રેલમછેલ વચ્ચે એસ.એમ.સી.ની કાર્યવાહી

ગાંધીધામ, તા. 4 : પૂર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર, ભચાઉ, સામખિયાળી ઉપરાંત પશ્ચિમ કચ્છમાં ભુજ, મુંદરા, નખત્રાણા, માંડવીથી લઇ છેક સરહદી વિસ્તાર ખાવડા સુધીના વિવિધ શહેરો અને આસપાસના વિસ્તારો દારૂના ધમધમતા પોઇન્ટ, અડ્ડા વચ્ચે રાજ્યસ્તરની એસ.એમ.સી.ની ટીમે ભચાઉ પાસેથી રૂા. 1,85,94,803નો દારૂ પકડી પાડીને સ્થાનિક પોલીસનું નાક કાપીને હાથમાં આપી દીધું છે. પૂર્વ કચ્છમાં અનેક જગ્યાએ દેશી અને અંગ્રેજી દારૂના પોઇન્ટ, અડ્ડા ધમધમી રહ્યા છે, બીજી બાજુ હાઇવે હોટલની આડમાં વાડામાં કોલસા, ચોખા, ઘઉં સહિતની વસ્તુઓની ચોરી તેમજ આવી વાડીઓમાં બાયો ડીઝલ, બેઝ ઓઇલ, એમ.એચ.ઓ.ના વાડા પણ ધમધમી રહ્યા છે. સ્થાનિક પોલીસ આ બધાથી અજાણ હોય તેમ આંખ આડા કાન કરતી હોવાનું સમજાય છે. ભચાઉમાં અગાઉ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોએ લેખિત રજૂઆતો કર્યા બાદ પણ દેશીના પોઇન્ટ બંધ થયા નહોતા. થોડા દિવસ બંધ રહ્યા પછી આવા પોઇન્ટ પુન: ધમધમવા લાગ્યા હતા. કોઇની બીક જ ન હોય તેમ બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. બીજી બાજુ તેલચોરો પણ બેફામ બન્યા છે. હાઇવેની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટો આવા બેનંબરી ધંધાઓ માટે આશીર્વાદ સમાન થઇ પડયા છે. એન.એ. કર્યા વગર આવી નામનો પણ પાર્કિંગ પ્લોટ બનાવી તેમાં આવાં કાળાં કામ કરાય છે. એસ.એસ.સી.એ ગત મોડી રાત્રે પકડેલા રાજસ્થાની શખ્સે વીસેક દિવસ અગાઉ પણ કરોડોનો દારૂ ઠાલવ્યો હતો અને બીજી ખેપ મારવા આવતાં તે ઝડપી લેવાયો હતો. પકડાયો તે એક છે હજુ આવા કેટલાય તત્ત્વો કચ્છમાં નશો ઠાલવતા હશે તે પ્રશ્ન છે. એસ.એમ.સી.ની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસના કયા અધિકારીની જવાબદારી નક્કી કરાશે અને કોની વિકેટ પડશે, તે સહિતની ચર્ચા પોલીસબેડામાં વહેતી થઇ છે. 

Panchang

dd