• બુધવાર, 12 નવેમ્બર, 2025

અંજાર સીએચસીના તબીબ સરકારના 17.47 લાખ હજમ કરી ગયા

ગાંધીધામ, તા. 4 : અંજાર સરકારી હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતા ડોક્ટરે પ્રસૂતિ કરતાં વધુ પ્રસૂતિ રેકર્ડમાં દર્શાવીને એક જ પ્રસૂતિને અલગ-અલગ નાણાકીય સદરમાં દર્શાવીને પ્રસૂતિની મળવાપાત્ર રકમ 17.47 લાખ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. ખાતાકીય તપાસ દરમિયાન ગેરરીતિ બહાર આવતાં તેમને 17.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એ સાથે જ કુલ 34.94 લાખ રૂપિયા સરકારમાં જમા ન કરાવતાં છેતરાપિંડીની ફરિયાદ નોંધાઈ છે.  અંજાર પોલીસે જણાવ્યું હતું કે, સીએચસીમાં વર્ષ 2016-17થી લઈને વર્ષ 2021-22 દરમિયાન ફરજ બજાવનાર ડો. વિરલ વાય. વાઘેલાએ આ ગેરરીતિ આચરી હતી. રેકર્ડમાં પ્રસૂતિ કરતા વધારે પ્રસૂતિ દર્શાવીને અલગ-અલગ નાણાકીય સદરમાં દર્શાવી હતી. પ્રસૂતિ પ્રોત્સાહનની રકમ ખોટી રીતે મેળવી પોતાના બેંક એકાઉન્ટમાં રૂા. 17,47,375 ટ્રાન્સફર કરી લીધા હતા.  તપાસ દરમિયાન આ છેતરાપિંડી બહાર આવી હતી તેમજ અનેક વિસંગતતાઓ પકડાઈ હતી. ખાતાકીય તપાસ દરમિયાન પોતાની સહી હોવા છતાં તેઓની સહી નથી તેવું નિવેદન આપીને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં કસૂરવાર ઠરેલા ડો. વાઘેલાને મૂળ રકમની સાથે દંડ સહિત રૂા. 34,94,650 સરકારમાં જમા કરાવવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં આ રકમ જમા કરાવવામાં ન આવતાં સરકારી હોસ્પિટલ અધીક્ષક ડો. રોબિનાસિંહ પ્રતાપાસિંહ રાઠોડે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

Panchang

dd