ભુજ, તા. 4 : રાતે ભચાઉ પાસે રાજ્યસ્તરની
પોલીસે 1.85 કરોડનો શરાબ ઝડપતાં સફાળી જાગેલી
સ્થાનિક પૂર્વ કચ્છની પોલીસે જુદા-જુદા શરાબના ત્રણ દરોડામાં 24.09 લાખનો દારૂ જપ્ત કર્યો છે.
આડેસર પોલીસે ગુવાર ભરેલી ટ્રકમાંથી 19.46 લાખના શરાબ સાથે પંજાબના ચાલકને ઝડપ્યો હતો, જ્યારે ભચાઉ પોલીસે છાડવારા બાજુથી સ્કોર્પિયોમાં
રૂા. 3.07 લાખનો દારૂ ભરીને અંજારના શખ્સને
ઝડપી લીધો હતો અને માલ ભરી આપનાર મેઘપર (બો.)ના શખ્સનાં મકાનની સામેના વાડામાંથી પૂર્વ
કચ્છની એલસીબીએ 1.56 લાખનો શરાબ
જપ્ત કર્યો હતો. ગઇકાલે આડેસરની પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન તપાસણીમાં હતી, ત્યારે બાતમીના પગલે ગુવાર ગમના કોથળાની આડશમાં
ભરેલા શરાબવાળી ટ્રક નં. પીબી-46-એએમ-1598ને રોકાવીને
ટ્રકમાંથી નાની-મોટી શરાબની 1488 બોટલ તેમજ
બિયરના 528 ટીન એમ કુલ રૂા. 19.46,160નો શરાબનો જથ્થો તેમજ ગુવાર
ગમના 495 કોથળા કિં.રૂા. 22,77,000 તેમજ એક મોબાઇલ કિં.રૂા. 5000, રોકડા રૂા. 1320 તથા ટ્રકની કિં.રૂા. 12,00,000 એમ કુલ રૂા. 54,29,480ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક
સુખદેવસિંગ ચનનસિંગ ગીલ શીખ (રહે. પંજાબ)ને ઝડપી લીધો હતો. આ શરાબ અંગે પૂછતાં સુખદેવસિંગે
જણાવ્યું હતું કે, તે ટ્રકમાં
રાજસ્થાનના બિકાનેરથી ગુવાર ગમ ભરીને ગાંધીધામ ખાલી કરવા આવતો હતો, ત્યારે તેના મિત્ર પરબતસિંહ બન્ના (રહે. ચોહટણ)નો ફોન આવ્યો હતો અને જણાવ્યું
કે, મારે ગાંધીધામ દારૂની પેટીઓ મોકલવી છે. જો તું લઇ જા તો હું
તારી પાસે 70 હજાર રૂપિયા
માગું છું તે માફ કરી દઇશ. આથી તે માની જતાં પરબતે માલ ભરી જણાવ્યું કે, તારી પાછળ હું ગાંધીધામ આવું છું. શરાબ ખાલી
કરી ટ્રક આપી દઇશ. આમ, પોલીસે ઝડપાયેલા સુખદેવસિંગ તથા પરબત વિરુદ્ધ
ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ભચાઉ પોલીસ ગઇકાલે રાતે પેટ્રોલિંગમાં હતી, ત્યારે છાડવારા પુલ નીચે ગાંધીધામથી સામખિયાળી
તરફ આવતી બાતમીવાળી સ્કોર્પિયો કાર નં. જીજે-39-સીસી-1642માંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની
180 બોટલ તથા બિયરના 336 ટીન એમ કુલ રૂા. 3,07,680ના શરાબના જથ્થા સાથે કાર કિં.રૂા.
10 લાખ તથા બે મોબાઇલ 15 હજાર એમ કુલ મળીને 13,22,680ના મુદ્દામાલ સાથે અંજારના
ધ્રુવગિરિ રીતેશગિરિ ગોસ્વામીને ઝડપી લીધો હતો. ધ્રુવની પૂછપરછ કરતાં આ શરાબ આનંદ શિવજીભાઇ
સંઘાર (રહે. મંગલેશ્વર મેઘપર (બો.) તા. અંજારવાળા)એ તેની સ્કોર્પિયો ગાડીમાં ભરીને
આપ્યો છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ દરમ્યાન માલ આપનારા આનંદે તેના
સાંઇનાથ સોસાયટી મેઘપર (બો.)વાળા તેના મકાનની સામે વાડામાં શરાબનો જથ્થો રાખ્યો હોવાની
બાતમીના આધારે એલસીબીએ ત્યાંથી 120 શરાબની બોટલ
કિં.રૂા. 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરી હાજર
ન મળનારા આનંદ શિવજી સંઘાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.