ભુજ, તા. 4 : મુંદરાની ધ્રબ સીમમાં અશોક લેલેન્ડના શો-રૂમ પાસે પાર્ક કરાયેલી
ત્રણ ટ્રેઇલર ટ્રોલીની ચોરી થયાની ફરિયાદના ગણતરીના કલાકોમાં મુંદરા પોલીસે ચોરી કરનાર
આરોપી ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. મુંદરાના પીઆઇ આર.જે.
ઠુમ્મરે ચોરીનો ભેદ ઉકેલવા બનાવેલી અલગ-અલગ ટીમો તપાસમાં હતી, ત્યારે એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ ઝાલાને બાતમી
મળી કે, આ ગુનાને સની અનિલભાઇ કાપડી (રહે. હાલે વર્ધમાનનગર-મુંદરા
મૂળ દબડા, તા. અંજારવાળા)એ અંજામ આપ્યો છે. આથી સનીને શોધી તેની
યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં ગુનાની કબૂલાત કરી હતી અને ચોરેલી ત્રણે ટ્રેઇલર ટ્રોલી
ધ્રબ હોસ્પિટલની પાસે રોડની બાજુમાં રાખી હોવાનું જણાવ્યું હતું.