ગાંધીધામ, તા. 13 : અંજાર
તાલુકાના મેઘપર કુંભારડીમાં અંજાર-આદિપુર માર્ગ પર આવેલી નેન્સી-6 સોસાયટીના
મકાનમાંથી રૂા. 1,14,000ના ગાંજા સાથે શખ્સને પકડી પાડવામાં
આવ્યો હતો. અંજાર-આદિપુર માર્ગ અદાણી ફાટક નજીક મેઘપર કુંભારડીની સીમમાં આવેલી
નેન્સી-6 (નવકાર સોસાયટી)ના એક મકાનમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ છાપો
માર્યો હતો. આ મકાનમાંથી મૂળ મૂળી સુરેન્દ્રનગરના મહેન્દ્રસિંહ ભુપાલસિંહ ઉર્ફે
ભુપતસિંહ પરમાર નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. નીતાબેન હરેશગર ગોસ્વામીના
મકાનમાં ભાડેથી રહેતા આ શખ્સના કબજાના મકાનમાં એક થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો.
તેની પાસેથી રૂા. 1,14,000નો 11.400 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં
આવ્યો હતો. આ શખ્સ ગ્રાહકોને ડિજિટલ વજન કાંટા ઉપર ગાંજાનું વજન કરીને વેચતો હતો
તથા પ્લાસ્ટિકની કોથળીના પેકિંગ માટે મશીન પણ વસાવ્યું હતું. પોલીસે તેની પાસેથી
ગાંજો, 1600 ગ્રામ
પ્લાસ્ટિકની કોથળી, બે વજન કાંટા, મોબાઇલ, મશીન
વગેરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે વિરમ નામના એક શખ્સ પાસેથી ગાંજાનો
આ જથ્થો મેળવ્યો હતો તેમજ તેના ગ્રાહક અંજારના વિજય ગઢવી (રહે. દબડા) તેનો ભાઇ રામ
ગઢવી તથા દાઉદ (રહે. વિજયનગર) હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા આ ચારેયને
પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પી.આઇ.
ડી.ડી. ઝાલા સાથે અશોકભાઇ સોંધરા, પુંજાભાઇ ચાડ, વીરેન્દ્રસિંહ પુરોહિત, વનરાજસિંહ જાડેજા, વિશ્વજિતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, ઇન્દ્રાબેન જોશી, શ્રીયાબેન મારૂ, હેમુભાઇ પઢેરિયા, સુનીલ માતંગ વગેરે જોડાયા હતા.