ગાંધીધામ, તા. 13 : અંજાર
તાલુકાના મેઘપર બોરીચી સીમ અંજાર-ગળપાદર ધોરીમાર્ગ ઉપર એક ટ્રકના પૈડાં અચાનક
નીકળીને ટાયરનું પંકચર બનાવતા શંભુલાલ માધુજી મીણાને લાગતાં આ વ્યક્તિનું મોત થયું
હતું. અંજારના વીડીમાં શ્રી રામ ઈન્ફ્રાસ્ટ્રકચર વાડામાં કામ કરનાર ફરિયાદી
રાહુલકુમાર શ્રીભજન ખારવાર નામનો યુવાન આજે સવારે કંપનીના વાડામાં હતો ત્યારે
કંપનીમાં કામ કરનાર શંભુલાલ મીણાએ ફોન કરી ડમ્પર નંબર જીજે-12-બીવાય-5578માં
પંકચર પડયું હોવાનું કહ્યું હતું,
જેથી આ ફરિયાદી અંજાર-ગળપાદર રોડ રાઈઝિંગ ટિમ્બરની સામે પહોંચ્યો
હતો જ્યાં આ બન્ને પૈડાંમાં પંકચર બનાવતા હતા તેવામાં અજાણ્યા વાહનમાંથી પૈડાંનો
જોટો નીકળ્યો હતો. ધસમસતા આવતાં પૈડાં જોઈને ફરિયાદી આઘો ખસી ગયો હતો, પરંતુ તેમાં તેને ઈજાઓ પહોંચી હતી. આ પૈડાં આગળ જઈને શંભુલાલ સાથે અથડાતાં
તેને માથાં સહિતની જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ
પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા જ્યારે ફરિયાદી યુવાનને સારવાર હેઠળ રખાયા
હતા. અજાણ્યા વાહનના ચાલક સામે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.