ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ
સંકુલમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ છે. મહાનગરપાલિકા નદીઓને પકડી રામલીલા મેદાનમાં
રાખવાનું શરૂ કર્યું છે અને અલગ-અલગ ગૌશાળામાં પણ મોકલવામાં આવે છે. છતાંય આંતરિક
વિસ્તારો અને માર્ગો ઉપર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. દીપાવલીના
તહેવારના દિવસો વચ્ચે આખલાઓની લડાઈમાં અકસ્માતના બનાવો વધી ગયા છે. આદિપુરમાં
કોલેજ નજીક આખલાને અડફેટે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ લઈ
જવામાં આવ્યો હતો. દીપાવલીના મહાપર્વ ઉપર બજારમાં ખરીદીમાં લોકો આવી રહ્યા છે.
માર્ગો ઉપર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. તેવા સમયે નંદીઓની લડાઈ અકસ્માતના બનાવો
વધી ગયા છે અને લોકોને ઇજાઓ પહોંચી રહી છે. આદિપુરમાં કોલેજ નજીક નંદીએ યુવાનને
હાડફેટે લીધા હતા. આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તુરંત સારવાર માટે
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અત્યાર
સુધીમાં નંદીઓને પકડીને રામલીલા મેદાનમાં રાખવામાં આવ્યા છે, જ્યાંથી તાજેતરમાં 20 નંદીને
ગળપાદર, મીઠીરોહર
ગૌશાળા અને 30 અને 50 રાપર ગૌશાળામાં મોકલવામાં આવ્યા
છે. સંકુલમાં રખડતા ઢોરને પકડવાની ધીમી ગતિએ થતી કામગીરીને વેગવંતી બનાવવી જરૂરી
છે. દીપાવલીનો તહેવાર છે તેવા સમયે રખડતા ઢોર લોકો માટે હેરાનગતિ સમાન બની ગયા છે.
મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો, મેઘપર- બોરીચી સોસાયટી
વિસ્તાર, મેઘપર-કુંભારડી, શિણાય,
ગળપાદર, અંતરજાળ, કીડાણામાંથી
રખડતા ઢોરને પકડીને ગૌશાળામાં મોકલવામાં આવે અથવા તો રામલીલા મેદાનમાં રાખવામાં
આવે તે સહિતની કામગીરી કરવી અત્યંત જરૂરી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં
અલગ-અલગ જગ્યા ઉપર ઘાસચારો પણ વેચાઈ રહ્યો છે. વહીવટી તંત્રએ કાર્યવાહી કરવાની વાત
કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પગલાં પડ્યાં નથી તે બાબતે પણ
કમિશનર દ્વારા પગલાં ભરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.