ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના આધોઈ ગામે રહેનાર
પરેશ બાબુ ગાંગસ (ઉ.વ. 28) નામના યુવાને
ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બીજી બાજુ આદિપુરમાં અગાઉ ફાંસો ખાઈ લેનાર રાજેશ
આણદા વાળંદ (ઉ.વ. 42)એ સારવાર
દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. આધોઈ સેક્ટર-બે વિસ્તારમાં રહેનાર પરેશ ગાંગસ નામના
યુવાને ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. વાડીએ પ્રસંગ ચાલુ હતો, ત્યારે આ યુવાને હું કામથી ઘરે જાઉં છું,
તેમ કહી પોતાના ઘરે આવ્યો હતો. બાદમાં ઘરે આવી અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો
ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરે આવતાં આ યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. દિવાળીના
સપરમા દિવસોએ યુવાનનાં મોતથી અરેરાટી પ્રસરી હતી. બનાવનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે
હાથ ધરી છે. વધુ એક બનાવ આદિપુરના સી.બી.એક્સ-સાતવાળી
વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર રાજેશ વાળંદ નામના યુવાને અગાઉ પોતાના ઘરે છતના
હૂકમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેને પ્રથમ સ્થાનિકે બાદમાં વધુ સારવાર
અર્થે રાજકોટ સિવિલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે
છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.