ભુજ, તા. 12 : મુંદરા તાલુકાના ઝરપરામાં વેરહાઉસમાંથી
પાંચ માસ દરમ્યાન રૂા. 10,28,920ના
ચોખા અને વરિયાળીના જથ્થાની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ ઉપરાંત ભુજની હોટેલમાંથી
બે મોબાઇલ કિં. રૂા. 15,000ની તસ્કરી
થયાનો ગુનો દાખલ થયો છે. મુંદરા પોલીસ મથકે દક્ષ શિપિંગ કંપનીના ભગીરથસિંહ જાડેજાએ
ગઇકાલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઝરપરામાં આવેલા અંબાજી વેરહાઉસ ફેઝ-1ના પ્લોટ નંબર છમાંથી કોઇ અજાણ્યા ઇસમો
દ્વારા એકસ્પોર્ટ કરવા માટે રાખેલા અલગ-અલગ પાર્ટીના ચોખા અને વરિયાળીના જથ્થામાંથી
12,829 કિલો ચોખા કિં. રૂા. 9,12,320 અને 1100 કિલો વરિયાળી કિં. રૂા. 1,66,600 એમ કુલ્લે રૂા. 10,28,920ની ચોરી તા. 1-5થી આજ દિન સુધીમાં કરાઇ હોવાનું
લખાવ્યું છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ આજે ભુજ એ-ડિવિઝન
પોલીસ મથકે, ઉપલીપાળ સ્થિત શિવલેક હોટેલમાં
નોકરી કરતા મોહમદ ઉબેદ જકરિયા હિંગોરા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 16-9ના રાત્રે તે હોટેલના રિસેપ્શનના
સોફા પર સૂઇ ગયો હતો અને સવારે ઊઠતાં તેનો રિયલમીનો આઠ હજારનો અને હોટેલનો વીવો કંપનીનો
સાત હજારનો એમ બે મોબાઇલ કિં. રૂા. 15000ની કોઇ અજાણ્યો ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી
તપાસ આદરી છે.