ભુજ, તા. 12 : ગઈકાલે ભુજ તાલુકાના સામત્રા
ગામે ભુજમાં લીધેલાં મકાનના રૂપિયા ભરવાની ના પાડતાં પત્નીએ પતિને કેરોસીન છાંટી દીવાસળી
ચાંપી સળગાવી દઈને હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઊલટી ગંગા સમાન આ
ચર્ચાસ્પદ બનાવ અંગે ગઈકાલે રાતે માનકૂવા પોલીસને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાઝેલી હાલતમાં
ચાલતી સારવાર દરમ્યાન સામત્રાના 60 વર્ષીય ધનજીભાઈ
ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ નિવેદન આપી નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી ચાર વર્ષ
પૂર્વે તેમની પ્રથમ પત્ની લક્ષ્મીબેનનું અવસાન થયું હતું અને દોઢેક વર્ષ પૂર્વે મહેસાણાથી
કૈલાસબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીના દાગીના તેણે લઈ લીધા હતા.
ફરિયાદી ધનજીભાઈ અવાર-નવાર તે દાગીના માગતા, પરંતુ તે ન આપી ઝઘડો કરતી હતી. આ બાદ આરોપી પત્ની કૈલાસબેને ભુજમાં મકાન લીધું
હતું, જેના રૂપિયા ભરવા માટે પણ અવાર-નવાર ઝઘડો કરી મારી નાખવાની
ધમકી આપીને માનસિક ત્રાસ આપતી હતી. પુત્ર અને સમાજના માણસોને પણ વાત કરી હતી. ગઈકાલે
તા. 11/10ના સાંજે પત્ની કૈલાસબેને ભુજમાં
લીધેલાં મકાનના રૂપિયા ભરવા માટે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. જેની ના પાડતાં આરોપી
પત્નીએ ઘરના આંગણામાં આવેલા ગેરેજમાં હાથ પકડી લઈ ગઈ હતી અને કહ્યું કે, રૂપિયા નહીં આપે તો જીવતો નહીં મૂકું અને ગેરેજમાં
રાખેલી એક બોટલ ઉપાડી, જેમાં કેરોસીન જેવું પ્રવાહી ફરિયાદી પર
છાંટી દીવાસળી ચાંપી ફરિયાદી ધનજીભાઈને સળગાવી દઈ ગેરેજના નાના દરવાજામાંથી બહાર નીકળી
બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. ફરિયાદીએ
રાડારાડ કરતાં ફરિયાદીનો દીકરો તથા પાડોસીઓએ આવી દરવાજો ખોલી સળગતા ફરિયાદી
પર કપડું નાખી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. માનકૂવા પોલીસે
હત્યા પ્રયાસ સબબની કલમો તળે ગઈકાલ રાતે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી અને તપાસકર્તા
ઈન્ચાર્જ પીઆઈ પી.સી. ગોહિલે આરોપી કૈલાસબેનની અટક કરી લીધી હતી. દરમ્યાન આજે સાંજે
સારવાર દરમ્યાન ધનજીભાઈએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો છે
અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધર્યાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું.