ભુજ, તા. 10 : મુંદરા તાલુકાના નાના કપાયામાં
સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં જિંદાલ કંપની નજીક રોંગ સાઈડમાં પૂરઝડપે ધસી આવેલી બોલેરો
જીપકારે બાઈકથી જઈ રહેલા મૂળ પંચમહાલના અને હાલે નાના કપાયામાં રહેતા બાઈકસવાર દંપતીને
હડફેટે લીધી હતી, જેમાં હરિસિંહ
ઉર્ફે અરવિંદભાઈ નિનામા (ઉ.વ. 50) અને તેમના પત્ની કમલાબેન હરિસિંહ નિનામા (ઉ.વ. 45)નાં ગંભીર ઈજાના પગલે મોત થયાં
હતાં, જ્યારે તેમની સાથે રહેલા એક મહિલાને અસ્થિભંગ
સહિતની ઈજાઓ પહોંચી હતી. મુંદરા પોલીસે બોલેરોચાલકની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
મૂળ પંચમહાલના અને નાના કપાયામાં રહેતા હરિસિંહ ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે
નોકરી કરતા હતા, જ્યારે તેમના પત્ની કમલાબેન જિંદાલ કંપનીમાં
મજૂરીકામ કરતા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, શુક્રવારે બપોરના
3.30 વાગ્યાના અરસામાં સર્જાયેલા
આ અકસ્માત અંગે મૃતક દંપતીના પુત્ર અજય નિનામાએ પોલીસને લખાવેલી વિગતો મુજબ, હતભાગી હરિસિંહ શુક્રવારે તેમના પત્ની તથા અન્ય
મહિલા ક્રિષ્નાબેન રનભાનસિંગને કંપનીમાંથી લેવા આવ્યા હતા અને બાઈક પર નાના કપાયા જઈ
રહ્યા હતા, ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતી જીજે 12 સીટી 6287 નંબરની બોલેરોના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના
અને મુંદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા મોહનસિંહે પૂરઝડપે તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકસવાર
આ દંપની તથા મહિલાને હડફેટે લીધા હતા. ધડાકાભેર થયેલી ટક્કરમાં આ દંપતી અને મહિલા ફંગોળાયા
હતા. હરિસિંહ અને કમલાબેનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ
ખસેડાતાં ફરજ પરના તબીબે હરિસિંહ અને કમલાબેનને મૃત ઘોષિત કર્યા હતા, જ્યારે અસ્થિભંગ સહિતની ઈજાઓ પામેલા ક્રિષબેનને
વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતમાં ટક્કર
એટલી જોરદાર હતી કે, બાઈકના ફુરચા ઊડી ગયા હતા, જ્યારે બોલેરો જીપકારનો આગળનો ભાગ નષ્ટ થયો હતો. બનાવના પગલે આજુબાજુના રહેવાસીઓ
તથા રાહદારીઓ સહિત લોકોનું ટોળું એકત્ર થયું હતું અને બોલેરો ચાલકને ભાંડયો હતો. ઘટનાસ્થળે
પહોંચેલી પોલીસે બોલેરોચાલક મોહનસિંહની અટક કરી હતી. નેંધનીય છે કે, મુંદરા તથા આસપાસના ગામડાઓમાં સર્જાતા અકસ્માતોના પગલે લોકોમાં ભારે ગુસ્સો
છે. હજુ થોડા દિવસ અગાઉ નવા બનેલા બારોઈ રોડ પર પૂરપાટ જતી ઈકો કારે એક્ટિવાચાલક પિતા
અને તેમના માસૂમ પુત્રને હડફેટે લીધા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.
તે વચ્ચે શુક્રવારે નાના કપાયામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતથી સ્થાનિક રહેવાસીઓમાં
રોષ ફેલાયો છે.