કેરા (તા. ભુજ), તા. 10 : વાડીઓમાં
વિદ્યુતની ઓરડીથી બોરમાં જતા કેબલ કાપી જવાના બનાવો નવા નથી, પણ વચ્ચે-વચ્ચે શાંત પડી જતી આ તસ્કરીએ ફરી
માથું કાઢયું છે. તાજેતરમાં દહીંસરા, કેરા, કુંદનપર, નારાણપર પટ્ટીમાં ત્રણ કેબલ કપાઇ ગયા છે. દહીંસરાથી
અગ્રણી કિશોરભાઇ પિંડોરિયાએ કચ્છમિત્રને જણાવ્યું કે, અમારી વાડીનો
25 મીટર જેટલો ડબલ કેબલ કોઇ હરામખોર
કાપી ગયા છે. મોટાભાગની વાડીઓ સીમમાં છે અને રાત્રે વાડી માલિક ગામમાં ઘર હોઇ પરત ફરે
છે. રાત્રિ દરમ્યાન કોઇ પણ સમયે `કેબલ ચોર' ટોળકી કાપી જાય છે. પંખાના જાડા ત્રણ વાયર એક
કેબલમાં એવા ત્રણ કેબલ મજબૂત વિદ્યુત પુરવઠા માટે નખાયેલા હોય છે. વજનમાં પણ ભારે હોઇ
સારા ભાવ કાઢવાની લાલચે કેબલ ચોર ગેંગ તરખાટ મચાવી રહી છે. વાડી માલિક દિવસે આવી કપાયેલા
કેબલ જુએ છે અને આર્થિક ફટકો સહન કરે છે. તાજેતરમાં દહીંસરાની ઘટના બાદ પાંચાડામાં
વધુ બે વાડીમાં કેબલ ચોરાયા છે. આ સંદર્ભે કોડાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઇ છે.
પોલીસે સ્થળ મુલાકાત કરી શકમંદોના નામ જાણ્યા છે. એકબાજુ ઊતરેલો પાક પલળી ગયો છે,
ત્યાં કેબલ કટ તસ્કરી ગેંગ પડયા ઉપર પાટુ મારવા જેવા કૃત્ય કરે છે. સંબંધિત
ગામોના ગ્રામજનો અને ખાસ કૃષકોની લાગણી છે, પોલીસે રાત્રિ પેટ્રોલિંગ
સઘન બનાવવાની જરૂર છે.