ગાંધીધામ, તા. 10 : રાપરના જેસડા ગામની સીમમાં
મુંબઇગરાના ચાર ખેતરમાં બિનઅધિકૃત કબજો કરનારા સામે લેન્ડગ્રેબિંગની કલમો તળે ગુનો
નોંધાયો હતો. મહારાષ્ટ્રના થાણા-મુંબઇમાં રહેનાર મૂળ સુવઇના યોગેશ દામજી સતરાએ બનાવ
અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ વર્ષ 2011માં ભીમશી હરખા કારિયા તથા
નરપત ભુરા ગાલા પાસેથી તથા તેમના પિતાએ ભીમશી કારિયા પાસેથી જમીન ખરીદી હતી. આ જમીનો
મનફરાના રમેશ હોથી કોળીને વાવવા, ખેડવા
માટે આપવામાં આવી હતી. બાદમાં ફરિયાદી યુવાનના પિતાના અવસાન બાદ ફરિયાદી પોતાના ખેતરે
આવતાં રમેશ કોળીએ ખેતરોમાં કબજો કરી લીધો હતો અને ફરિયાદીને ધાકધમકી કરી હતી. આ શખ્સને
વારંવાર કહેવા છતાં તેણે કબજો ખાલી ન કરતાં જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબિંગની કાર્યવાહી
થવા અરજી કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાએ આદેશ આપ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે. જેને જમીનો વાવવા આપી તેણે જ જમીન દબાવી લેતાં ભારે ચકચાર પ્રસરી
હતી.