ગાંધીધામ, તા. 19 : શહેરના જૂના એ-ડિવિઝન પોલીસ
મથક નજીક સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ પ્રકરણમાં પોલીસે એક શખ્સને ઝડપી
પાડયો હતો. આ વેપારીનું ખૂંખાર આરોપીઓને પૈસા પડાવવાના હેતુથી અપહરણ કર્યું હતું પરંતુ
તેમાં આ ટોળકીને સફળતા મળી નહોતી. શહેરના જૂના પોલીસ મથક નજીક વોર્ડ 12-બીમાં પ્લોટ નંબર 231માં સંકેતનિધિ આંગડિયા પેઢી
ચલાવનારા કેતન કાકરેચા (શાહ)નું તા. 16/7ના બપોરના અરસામાં ચાર શખ્સે રિવોલ્વરની અણીએ ફિલ્મી ઢબે અપહરણ
કર્યું હતું જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે દોડધામ આદરી હતી અને જિલ્લામાં નાકાબંધી
કરી આરોપીઓને પકડી પાડવા 12 જુદી જુદી
ટીમ બનાવાઇ હતી તેમજ આરોપીઓની કારનો પીછો કરાયો હતો. આ શખ્સો વોંધ રામાપીર ચાર રસ્તાથી
આંબલિયારા ગામ તરફ નાઠા હતા. પોલીસ ટીમો આવતી જોઇને આરોપીઓ પોતાનું વાહન મૂકીને નાસી
ગયા હતા. દરમ્યાન, અપહ્યત યુવાનને
શોધી પરત ગાંધીધામ લવાયા હતા. દોડધામ કરી રહેલી પોલીસે રાજસ્થાન શ્રીગંગાનગરના પવન
કિશનલાલ બરોર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરાતાં તે ભાંગી
પડયો હતો અને મુખ્ય સૂત્રધાર, યોજના ઘડનાર હિતેન્દ્રસિંહ ઉર્ફે
હિતુભા કરણસિંહ ઝાલા હોવાનું બહાર આવ્યું હતું. આ હિતુભા નામના શખ્સ ઉપર અગાઉ બળાત્કાર,
હત્યાના બે, હત્યાની કોશિષ, મારામારી, આર્મ્સ એક્ટ સહિતના જુદા જુદા પોલીસ મથકે 13 ગુના નોંધાયેલા છે જે ગુના
સંદર્ભે આ શખ્સ ગળપાદરની જેલમાં હતો. દરમ્યાન, તેને સ્થાનિકના કોઇ કેદીએ કેતન કાકરેચા અંગે બાતમી, માહિતી
આપી હતી. દરમ્યાન, આ રીઢા ગુનેગારે પોતાના બોડીગાર્ડ તુષાંત ઉર્ફે
સૂરજ ઉર્ફે ટાઇગર લેખરાજ વાસુને અહીં મોકલાવ્યો હતા. આ શખ્સે આંગડિયા પેઢીના સંચાલકના
ઘર, ઓફિસ વગેરેની રેકી કરી હતી. ત્યારબાદ રાજસ્થાનથી ટોળકી બોલાવી
હતી અને સ્વીફ્ટ કાષર લઇને પવન બરોર, શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા
(રાજપૂત) (રહે. બિકાનેર), આકાશ નિરંજનસિંહ રાજપૂત (રહે. બિકાનેર)
તથા અજય નામના શખ્સો અહીં આવ્યા હતા અને રિવોલ્વરની અણીએ વેપારીનું અપહરણ કર્યું હોવાનું
પત્રકાર પરિષદમાં પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું. દરમ્યાન, આ ચારની પાછળ અન્ય એક કાર પણ હતી જેમાં ભૈયાજી નામનો શખ્સ અપહરણકારોની પાછળ
પાછળ પોતાની કાર હંકારીને જઇ રહ્યો હતો. આ ટોળકી પૈકી શ્રવણસિંહ સોઢા સામે રાજસ્થાનના
જુદા જુદા પોલીસ મથકોએ વાહન ચોરી, ઘરફોડ ચોરી, આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ સહિતના 23 ગુના નોંધાયેલા છે જ્યારે આકાશ
રાજપૂત સામે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ
સહિતના છ ગુના નોંધાયેલા છે. પકડાયેલા પવન પાસેથી પોલીસે હાલમાં બે મોબાઇલ જપ્ત કર્યા
છે. હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાને આ વેપારીની માહિતી આપનાર કોણ હતા તેના પ્રશ્નના જવાબમાં
તે તપાસ ચાલુ હોવાનું પોલીસ અધીક્ષકે જણાવ્યું હતું. હાથમાં ન આવેલા આરોપીઓને શોધવા
પોલીસે તપાસ તેજ કરી છે.