ભુજ, તા. 19 : પત્રકારનો ડારો આપી ખંડણી માગવા
સબબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાકી બેલડી વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. તેવામાં
વધુ એક આવી જ ફરિયાદ આજે અલી ચાકી વિરુદ્ધ દાખલ થઇ છે. આજે એ-ડિવિઝન પોલીસ મથકે લક્ષ્મી
બેકરીના નીતિનભાઇ ભાનુશાલીએ આરોપી અલી ચાકી (રહે. નાના રેહા) સામે નોંધાવેલી ફરિયાદની
વિગતો મુજબ ગત તા. 14/7ના તેમના
વોટ્સએપ પર મેસેજ તથા વીડિયો આવ્યા હતા. જેમાં કેકના પેસ્ટ્રીના ફોટા તથા વીડિયો મોકલાવેલા
હતા. આ બાદ સાદો કોલ આવ્યો અને જણાવ્યું કે, હું તમારી શોપમાં કેક લેવા ગયો ત્યારે
તેના પર માખીઓ ઊડતી હતી, જેના ફોટા-વીડિયો ઉતારી મીડિયામાં
મોકલાવ્યા છે. ફરિયાદીએ કહ્યું કે, હું શોપમાં સ્વચ્છતાનું પૂરું
ધ્યાન રાખું છું. સફાઇ માટે અલગથી બે કર્મચારી પણ રાખ્યા છે. આથી ફોન કટ થઇ ગયો હતો. આ બાદ રાતે ફરી ફોન
આવ્યો અને જણાવ્યું કે, તે અલીમામદ ચાકી બોલે છે. લક્ષ્મી બેકરીનો
વીડિયો તેમની પાસે આવ્યો છે. તે અંગેની સ્ટોરી બનાવી સોશિયલ મીડિયામાં પોતે નાખશે.
આ બાદ પણ વીડિયા મોકલાવેલા. બીજા દિવસે સવારે અલી ચાકી આવ્યો ને જણાવ્યું કે,
જો સ્ટોરી ન ચલાવવા દેવી હોય તો મને 50 હજાર આપો, નહિતર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંના સમાચાર
છાપી બેકરીને બદનામ કરી, ગ્રાહકો વસ્તુ ખરીદતાં પહેલાં સો વાર
વિચારશે તેમ કહીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી બેકરી સીલ કરી દેવાની ધમકી આપી
હતી. ફરિયાદીએ પિતાજીને વાત કરતાં રૂપિયા આપવાની
ના પાડી દીધી હતી. અન્ય લોકો ફરિયાદ માટે આગળ આવતાં ફરિયાદી નીતિનને પણ હિંમત આવતાં
તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે.