ગાંધીધામ, તા. 19 : રાપરના ફતેહગઢમાં ગઇકાલે સવારે
માત્ર એક કલાકમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ રૂા. 2,48,500ના દાગીનાની તફડંચી કરી હતી.
ફતેહગઢમાં એકલા રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ચમનલાલ ગાંગજી ગઢેચા (જૈન)એ આ બનાવ
અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગામના રબારી સમાજના લોકો ઘેટાં-બકરાં લઇને બહાર
ચરાવવા જાય ત્યારે પોતાના દાગીના આ વૃદ્ધ એવા ફરિયાદી પાસે મૂકી જતા હોય છે. પાંચેક
મહિના અગાઉ ગામના અમુક લોકોએ પોતાના દાગીના આ વેપારીને સાચવવા આપ્યા હતા. ગઇકાલે વહેલી
સવારે ફરિયાદી દેરાસરમાં પૂજા કરવા ગયા હતા અને એકાદ કલાક બાદ પરત આવતાં તેમના માકનના
દરવાજાના તાળાં તૂટેલા અને પેટી પલંગમાં રાખેલ તથા અન્ય સરસામાન વેરવિખેર જણાયો હતો.
આ બંધ મકાનમાંથી તસ્કરોએ એક કલાકમાં રોકડ રૂા. 14,000, અઢી તોલાનું સોનાનું .....,
સોનાનું .... પગલું, ચાંદીનો સિક્કો, કાનમાં પહેરવાની સોનાની રિંગ નંગ-બે, નાકમાં પહેરવાનો
સોનાનો હીરો વગેરે કુલ રૂા. 2,48,500ની મતાનો હાથ મારીને નાસી ગયા હતા. ફરિયાદી દેરાસરમાં ગયા હતા
દરમ્યાન, તસ્કરોએ હાથ માર્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ
નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.