ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના વરસામેડીમાં
આવેલી એક પતરાંની હોટેલમાંથી રૂા. 390ના ગાંજા સાથે હોટેલ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. વરસામેડીની
અરિહંતનગર સોસાયટીમાં દરગાહની સામે આવેલી પતરાંની હોટેલમાં પોલીસે પૂર્વબાતમીના આધારે
કાર્યવાહી કરી હતી. ભાડેથી હોટેલ ચલાવનારા મૂળ ઉત્તરપ્રદેશ ઝાંસીના અજયકુમાર કૃષ્ણકુમાર
અગ્રવાલ નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સની પેન્ટના ખિસ્સાની તપાસ કરાતાં
કાળા રંગની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીમાંથી લીલા રંગનો વનસ્પિતજન્ય પાંદડા
સાથેનો પદાર્થ મળી આવ્યો હતો. જે ગાંજો હોવાનું આ શખ્સે કહ્યું હતું. એફ.એસ.એલ. અધિકારીએ
આવીને પૃથક્કરણ કરતાં તે ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી પોલીસે રૂા.
390નો 39 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
તેણે આ ગાંજો અરિહંતનગરની શાંતિ નામની મહિલાથી લીધો હતો. હાથમાં ન આવેલી આ મહિલાને
પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.