ગાંધીધામ, તા. 19 : અંજારની ગંગોત્રી સોસાયટી-બેમાં
ગત રાત્રિ દરમ્યાન અંજાર પોલીસમાં અજમાયશી મહિલા એ.એસ.આઈ. અરુણાબેન નટુભાઈ જાદવ (ઉં.વ.
25)ની હત્યાનાં પગલે ભારે દોડધામ
સાથે ચકચાર પ્રસરી હતી.પૂર્વ કચ્છ જિલ્લામાં છેલ્લા દોઢેક વર્ષથી રહેલા અજમાયશી મહિલા
એ.એસ.આઈ. એવા અરુણાબેન અગાઉ સામખિયાળી તાલીમમાં હતા અને છેલ્લા કેટલાક સમયથી અંજાર
પોલીસ મથકે તાલીમ ઉપર હતા. મૂળ સુરેન્દ્રનગર ડેરવાડાના આ પોલીસકર્મી અંજારની ગંગોત્રી-બે
સોસાયટીમાં રહેતા હતા. આ યુવતીના ગામની આસપાસનાં ગામમાં રહેનાર દિલીપ શંકર જાદવ નામનો
યુવાન સી.આર.પી.એફ.માં રાંચિ, ઝારખંડ
ખાતે ફરજ બજાવે છે. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બંનેનાં લગ્ન થવાનાં હતાં, જેની જાણ તેમના પરિવારજનોને
હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. ગઈકાલે સવારે આ બંને અંજાર આવ્યા હતા અને ગંગોત્રી
સોસાયટી-બેમાં પોતાના રૂમ ઉપર હતા, દરમ્યાન રાત્રિના સમયે બંને
વચ્ચે પરિવારની વાતને લઈને તકરાર ઝઘડો થયો હતો, જેણે ઉગ્ર સ્વરૂપ
ધારણ કરી લીધું હતું. આ માથાકૂટમાં ઉશ્કેરાયેલા મહિલા પોલીસના મિત્ર એવા સી.આર.પી.એફ.
જવાને યુવતીનું ગળું દબાવી તેની હત્યા નીપજાવી હતી. આ બનાવ બાદ જવાને પોતાની પણ નસ
કાપી લીધી હોવાનું બહાર આવ્યું હતું અને પોતે આજે સવારે પોલીસ મથકે જઈને બનાવ અંગે
પોલીસને જાણ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સાથે દોડધામ થઈ પડી હતી. જવાનની નસ કપાઈ
જવાનાં કારણે હાલ તેને સારવાર હેઠળ રખાયો હતો. 2023માં પોલીસ બેડામાં ભરતી થયેલા
મહિલા પોલીસ અરુણાબેન અને સી.આર.પી.એફ. જવાન વચ્ચે ટેલિફોન ઉપર કોઈ બાબતે ચણભણ થતી
રહેતી હોવાનું પણ સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે અંજાર પી.આઈ. એ.આર. ગોહિલે વિગતો આપતાં
જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી
અજમાયશી મહિલા એ.એસ.આઈ.નો તાલીમી સમય પૂર્ણ થયો હતો અને છેલ્લા થોડાક સમયથી તે રજા
ઉપર હતા. ગઈકાલે જ બંને સાથે આવ્યા હતા અને રાત્રિના સમય દરમ્યાન આ બનાવ બન્યો હતો.
સુરક્ષા દળના જવાનને હાલ સારવાર હેઠળ રખાયો છે. ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે. મહિલા એ.એસ.આઈ.ની હત્યાને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.