ભુજ, તા. 10 : ખાવડાના આર.ઇ. પાર્કમાં સેલ
કંપનીની લેબર કોલોનીથી મજૂર ભરી ટ્રેક્ટર કંપનીના બ્લોક નં. 36માં જઇ રહ્યું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતાં
ટ્રેક્ટર રોડ ઊતરી ખાઇમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઇજાનાં પગલે 40 વર્ષીય શંકર લખુરામ મેઘવાલ (રહે. મીઠડાઉ, બાડમેર-રાજસ્થાન) અને 25 વર્ષીય ઓમપ્રકાશ હકમારામ જાટ
(રહે. આલમસર, બાડમેર-રાજસ્થાન)નું મોત
નીપજ્યું હતું અને ચાલક સહિત ચાર ઘાયલ થયા છે. આ અંગે આજે ખાવડા પોલીસ મથકે મદન વાઘારામ
મેઘવાલ (રાજસ્થાન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે સવારે અમારી સેલ કંપનીના પેટા કંપનીના
ઠેકેદાર જગરામ રાશીગારામ ચૌધરી ટ્રેકટર નં. આર.જે.-04-આર.બી.-5371વાળું લઇ આવી અમારી લેબર કોલોનીથી મજૂરો ભરી કંપનીના બ્લોક
નં. 36 ઉપર મજૂરી કામે લઇ જતા હતા.
ટ્રેક્ટર જગારામ ચલાવતા હતા. થોડે આગળ જતાં ટ્રેક્ટરના ફૂટ રેસ્ટ પાસે વેટ બેલ્ટ પડયો
હતો જે બેલ્ટ નીચે પડતો હોવાથી તે બેલ્ટને ચાલુ ટ્રેક્ટરે ચાલક જગારામ એક હાથથી લેવા
જતાં ટ્રેક્ટર રોડ પરથી ઊતરી પલટી ખાઇને કેનાલની ખાઇમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ઘાયલ બધાની સારવાર અર્થે ખાવડા હોસ્પિટલ ખસેડાતાં ત્યાં ગંભીર ઇજાનાં પગલે શંકર મેઘવાલ અને ઓમપ્રકાશ જાટને તબીબે મૃત
જાહેર કર્યા હતા. જ્યારે આ અકસ્માતમાં ઘવાયેલા
અન્ય ઇજાગ્રસ્તો પૈકી ફરિયાદી મદન તથા ચાલક જગરામ,
કપિલ મેઘવાલ, સેસારામ મેઘવાલને વધુ સારવાર અર્થે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફરિયાદીને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે,
જ્યારે અન્ય ત્રણ સારવાર હેઠળ
હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ખાવડા પોલીસે ચાલક જગરામ વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે.