• મંગળવાર, 17 જૂન, 2025

ભચાઉ નર્મદા કેનાલમાં કિશોર ડૂબ્યો

ગાંધીધામ, તા. 9 : ભચાઉમાં નર્મદા કેનાલ બાજુ મિત્રો સાથે રમવા ગયેલ ધૈર્ય મયૂર જોશી (ઉ.વ. 16) નામનો કિશોર કેનાલમાં ગરક થતાં તેણે પોતાનો જીવ ખોયો હતો. બીજીબાજુ ભચાઉના લગધીરગઢ નજીક બાઇક સ્લીપ થતાં ધુવેશ રણમલ કોળી (ઉ.વ. 21) નામના યુવાનનું મોત થયું હતું. ભચાઉના પટેલવાસમાં રહેનાર ધૈર્ય જોશી અને અન્ય મિત્રો ગઇકાલે સાંજે પોતાના ઘરેથી નીકળ્યા હતા. આ મિત્રો રમતાં રમતાં નવાગામ સબ સ્ટેશન પાસે નર્મદા કેનાલ પાસે પહોંચી ગયા હતા, જ્યાં રમતાં રમતાં આ સોળ વર્ષીય કિશોર કોઇ કારણોસર નર્મદા કેનાલમાં પડી ગયો હતો. અન્ય મિત્રોએ દોડીને આ વાત અન્યોને કરી હતી. દરમ્યાન તરવૈયા વગેરે દોડી આવીને ગરકાવ થયેલા આ કિશોરની શોધખોળ કરવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મોડી રાત્રે આ કિશોરની લાશ મળી આવી હતી. કિશોરનાં મોતનાં પગલે ભારે ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ લગધીરગઢ તળાવ પાસે વળાંક પર બન્યો હતો. ગામમાં રહેનાર ધુવેશ અને મહેશ ખેતા કોળી નામના યુવાન સામખિયાળીથી બાઇક નંબર જી.જે. 39-એફ. 3581 લઇને પરચ લગધીર ગઢ આવી રહ્યા હતા. દરમ્યાન બાઇક સ્લીપ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. પ્રથમ લાકડિયા અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં બંનેને લઇ જવાઇ રહ્યા હતા. દરમ્યાન રસ્તામાં ધુવેશે છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે અન્ય યુવાનને સારવાર હેઠળ રાખાયો હતો. બનાવ અંગે રણમલ રામજી કોળી (ચૌહાણ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd