• બુધવાર, 17 એપ્રિલ, 2024

માંડવીના 108ના યુવા કર્મચારીનું અકસ્માતમાં મોત

માંડવી/ભુજ, તા. 30 : માંડવીમાં છેલ્લા આઠ વર્ષથી 108માં સેવા બજાવતા યુવાન કર્મચારી સાખટ મેહુલ ગોરધનભાઈ (ઉ.વ. 32)નું બિદડા પાસે અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માંડવી બીચ પર બેન-બનેવી સાથે નહાવા ગયેલા મુંદરાના 18 વર્ષીય હિતેશ કૈલાસભાઈ બારોટનું ડૂબવાથી મોત થયું હતું. જ્યારે ડૂબી રહેલા બેન-બનેવીને તરવૈયાઓએ બચાવી લીધા હતા. બીજી તરફ માધાપરમાં કૌટુંબિક તકરારના લીધે 34 વર્ષીય અમિત પ્રાણલાલ જોશીએ એસિડ પી જીવનનો અંત આણ્યો હતો. દહીંસરાનાં તળાવ પાસેના કૂવામાં અજાણ્યા 30 વર્ષના પુરુષની નિર્વત્ર લાશ મળતાં ચકચાર પ્રસરી છે. મૂળ ભાવનગરના વતની અને વર્ષોથી બિદડા રહેતા મેહુલભાઈ એક્ટિવા નં. જી. જે.-12 -ઈએ- 7326 લઈને આજે સાંજે પોતાના ઘરે બિદડા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નં. જી.જે.- 12 -એટી- 7580 તળે આવી જવાથી તેનું મૃત્યુ થયું હતું. ટ્રકચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી નાસી ગયો હતો. મેહુલભાઈના પત્ની બિદડામાં નોકરી કરે છે અને ચાર માસનાં બાળકને છોડી મેહુલભાઈએ વિદાય લેતાં અરેરાટી વ્યાપી છે. સતત જાગૃત અને દરેકને ઉપયોગી થવાની ભાવનાવાળા મેહુલના અકસ્માતના સમાચારથી 108ના માંડવીના અધિકારી પ્રદીપભાઈ જાસોલિયા તેમજ તેમની સમગ્ર ટીમ, બિદડાના મેહુલના કુટુંબીજનો, મિત્રવર્તુળને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મેહુલનો આજે જ્યાં અકસ્માત થયો ત્યાંથી પ00?મીટર દૂર 4-5 વર્ષ પહેલાં પણ તેનો અકસ્માત થયો હતો અને ઈજાઓ થઈ હતી. એ જ જગ્યાએ આજે આ બનાવ બનતાં તેના મિત્રવર્તુળોએ ઊંડા શોક સાથે વાત કરી હતી. બનાવની જાણ થતાં નરેન સોની, કીર્તિ ગોર વિગેરે હોસ્પિટલે દોડી આવ્યા હતા. બીજી તરફ મૂળ રાપર તાલુકાના ગામનો પરંતુ લાંબા સમયથી મુંદરા રહેતો હિતેશ મોરબીથી આવતાં તેને ફરાવવા માટે માંડવી વિન્ડ ફાર્મ બીચ પર આજે સવારે આવી બપોરે 3 વાગ્યા આસપાસ પાણીમાં નહાવા માટે ત્રણેય ગયેલા. પ્રથમ પવનચક્કીની લાઈનમાં આગળના ભાગે પાણીમાં નહાતાં નહાતાં પાણીમાં ત્રણેય ડૂબવા લાગ્યા. હિતેશ પાણીમાં ક્યાં ગરક થઈ ગયો તે જોવામાં ન આવ્યો. બેન-બનેવીને તરવૈયાઓએ પોતાની જાનના જોખમે બચાવવાના પ્રયાસો કર્યા જેમાં તેમને સફળતા મળી હતી, પરંતુ હિતેશને શોધવામાં ખૂબ મહેનત કરી પરંતુ પાણીમાં મૃત્યુ પામ્યો હતો. મુંદરામાં મોલમાં નોકરી કરતા આશાસ્પદ યુવાનના ભાઈ-બહેનમાં 1 ભાઈ અને એક બહેન હોવાનું હોસ્પિટલમાં તેના કુટુંબીજનોએ જણાવ્યું હતું. દરમ્યાન તાલુકાના દહીંસરા ગામે તળાવની બાજુના કૂવામાં લાશ પડી હોવાના સમાચાર વહેતા થતાં પોલીસને જાણ કરાઈ હતી. આથી ઘટનાસ્થળે માનકૂવા પોલીસ તથા ભુજની ફાયર ટીમ પહોંચી હતી અને કૂવામાંથી રેસ્કયૂ કરી અજાણ્યા અંદાજે 30 વર્ષીય યુવાનની લાશ બહાર કાઢી હતી, પરંતુ આશ્ચર્ય વચ્ચે આ યુવાન નિર્વત્ર હતો. જેણે જમણા હાથમાં ઓમ ત્રોફાવેલું છે અને ડાબા હાથમાં ઘડિયાળ પહેરેલું છે. ભેદી સંજોગોમાં મળેલી આ લાશ અંગે હાલ માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને અજાણ્યા આ શખ્સને ઓળખ તેમજ કયા સંજોગોમાં મોત થયાની તપાસ પીઆઈ ડી.આર . ચૌધરીએ હાથ ધરી છે. બીજી તરફ ભુજ પાસેના માધાપરના નવાવાસના કેસરબાગની સામેના માર્ગના આશા હોમમાં રહેતા 34 વર્ષીય યુવાન અમિત પ્રાણલાલ જોશીએ ગઈકાલે બપોરે કૌટુંબિક તકરારના લીધે એસિડ પી લીધું હતું. આથી તેમને સારવાર અર્થે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેના શ્વાસ થંભી ગયા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang