ગાંધીધામ, તા. 15 : અંજારનાં પશુડામાં ત્રણ શખ્સે
ધોકા વડે માર મારતાં એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. પશુડા શક્તિનગરમાં
રહેનાર ફરિયાદી પ્રવીણગિરિ રમેશગિરિ ગુંસાઇ તા. 13/4ના બપોરે જમી રહ્યા હતા, ત્યારે તેમની કારમાં તોડફોડનો અવાજ થતાં આ યુવાન બહાર નીકળ્યો હતો ત્યારે આરોપી
પ્રકાશ અરજણ છાંગા, દીપક અરજણ છાંગા અને અરજણ ભચા છાંગા કારમાં
તોડફોડ કરી રહ્યા હતા. તેમને રોકવા જતાં આ શખ્સોએ ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કર્યો
હતો. દરમ્યાન, ફરિયાદીના માતા બહાર આવતાં તેમને ધક્કો આપી નીચે
પાડી દેવાયાં હતાં. બાદમાં નાનો ભાઇ મેહુલ આવતાં તેના ઉપર પણ ધોકા વડે હુમલો કરાયો
હતો. મારામારીના બનાવમાં ઘવાયેલા ત્રણેયને સારવાર અર્થે લઇ જવાયા હતા. કારના કાચ તોડી
રૂા. 5000નું નુકસાન પહોંચાડાયું હતું.
કૌટુંબિક મહિલાને અરજણ છાંગા વારંવાર ફોન કરી પરેશાન કરતો હોઇ તે અંગે ઠપકો આપતાં તેનું
મનદુ:ખ રાખીને આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આગળની તપાસ પોલીસે હાથ
ધરી છે.