• બુધવાર, 30 એપ્રિલ, 2025

અંજારની ભાગોળે ટ્રક હડફેટે બે યુવાનને કાળ આંબી ગયો

ગાંધીધામ, તા. 21 : અંજારની ભાગોળે તાલુકાના સાપેડા નજીક રિવેરા ફાર્મ પાસે બાઈક પર જતાં નિંગાળ ગામના શ્યામ તુલસી બરારિયા (આહીર) અને પરાસર ચંદ્રકાંત બરારિયા (આહીર) નામના યુવાનોને ટ્રકએ હડફેટમાં લેતાં બંને યુવાનોના જીવ ગયા હતા. એકીસામટે બે યુવાનોનાં મોતથી આહીર સમાજમાં ભારે ગમગીની પ્રસરી હતી. સાપેડા નજીક રિવેરા ફાર્મ પાસે આજે સવારે આ જીવલેણ બનાવ બન્યો હતો. નિંગાળમાં રહેનાર શ્યામ આહીર અને પરાસર આહીર નામના યુવાનો આજે સવારે બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમ્યાન માતેલા સાંઢની માફક દોડતી અજાણી ટ્રકે આ યુવાનોની બાઈકને હડફેટે લીધી હતી. ગમખ્વાર આ અકસ્માતમાં બંનેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સાથે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અરેરાટીભર્યા આ અકસ્માતમાં એક યુવાને બનાવ સ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્યને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને પણ મૃત જાહેર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં બે યુવાનોનાં મોતથી સમગ્ર આહીર સમાજમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. અકસ્માત બાદ અંજારની હોસ્પિટલ ખાતે આહીર સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા. બનાવ અંગે પી.એસ.આઈ બી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં એમ.એલ.સી. દાખલ કરવામાં આવી છે. આવતીકાલે બનાવ અંગે ફરિયાદ નોંધાશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd