ભુજમાં કારમાંથી હથિયારો, દાગીના, રોકડ મળ્યા : ભુજ, તા. 19 : અસામાજિક તત્ત્વો અને ગુનાખોરીમાં સંડોવાયેલા આરોપીઓની યાદી
બનાવી તેમની સામે કાર્યવાહી કરવાના રાજ્યના પોલીસવડાએ આપેલા 100 કલાકના અલ્ટિમેટમ હેઠળ હાથ
ધરાયેલી કાર્યવાહીમાં પરોવાયેલી પશ્ચિમ કચ્છ પોલીસે સઘન કોમ્બિંગ પેટ્રોલિંગમાં તપાસ
શરૂ કરી હતી, જેમાં ભુજમાં એક કારની
તલાશી દરમિયાન હથિયારો, સોનાં-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ
રૂા. 36,21,342નો મુદ્દામાલ શહેર એ-ડિવિઝન
પોલીસ મથકે કબજે કર્યો હતો, તો ભુજમાં
જ અન્ય સ્થળે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બુલેટ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી પણ છરી જેવું
હથિયાર ઝડપાયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન
ભુજની ઉસ્માની મસ્જિદ, રહીમનગર પાસેથી જીજે 12 એફઈ 1755 નંબરની શંકાસ્પદ સ્કોર્પિયો
લઈને આવતા સમીર અબ્દુલ કાદર સોઢાની અટક કરી હતી અને વાહનની તલાશી લીધી હતી. પોલીસ તપાસમાં
વાહનમાંથી ધારિયું, તલવાર,
ભાલો તથા લોખંડના પાઈપ સહિતના હથિયારો, સોના-ચાંદીના
દાગીના કિં. રૂા. 24,31,342 અને
રોકડા રૂા. 6,90,000 મળી આવ્યા હતા. પોલીસે વાહન
સહિત કુલ રૂા. 36,21,342નો મુદ્દામાલ કબજે કરી આગળની
કાર્યવાહી હાથ ધરી હતી.અટક કરાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં તેની વિરુદ્ધ અગાઉ ભુજ
શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડી, અપહરણ અને ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.
બીજી તરફ ભુજના યોગેશ્વર નગર, મારું ગામડું રેસ્ટોરન્ટ પાછળ,
એરપોર્ટ રોડ પર શબીરહુસેન નૂરમામદ અજડિયા નામનો આરોપી જીજે 12 ઈએમ 0089 નંબરના બુલેટ વાહનથી જઈ રહેલા
આરોપીની અટક કરતાં તેની પાસેથી છરી જેવું હથિયાર મળી આવ્યું હતું. પોલીસે બુલેટ તથા
છરી કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર
એચ. એસ. ત્રિવેદી તથા એસઓજી પીઆઈ કે.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ-ડિવિઝન
પોલીસ મથક તથા એસઓજી તેમજ સ્થાનિક ગુનાશોધક શાખાનો સ્ટાફ જોડાયો હતો. - લુડિયામાં વીજજોડાણ કપાયાં
: ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ સામે હાથ
ધરાયેલી કાર્યવાહી અન્વયે ખાવડા પોલીસે લુડિયાની મોવારવાંઢમાં રહેતા ઓસમાણ ઉર્ફે ઓસલો
સિધિક નોડે નામના આરોપીના ઘરે જઈને પીજીવીસીએલ અધિકારીઓને સાથે રાખી ગેરકાયદે વીજ જોડાણ
કાપવાની કામગીરી કરી હતી અને રૂા. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ વી.બી. પટેલ, ખાવડા પીજીવીસીએલના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ
ખાવડા પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. - પૂર્વ કચ્છમાં વધુ 17 શખ્સનાં વીજજોડાણ કપાયાં : ગાંધીધામ, તા. 19 : પૂર્વ કચ્છ પોલીસે દેશી દારૂ તથા મિલકત, શરીર સંબંધી ગુના વારંવાર આચરતા શખ્સો વિરુદ્ધ
કાર્યવાહી અવિરત રાખી હતી. 17 શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરીને કુલ રૂા. 4,80,000નું વીજબિલ ફટકારવામાં આવ્યું
હતું તેમજ તેમના ગેરકાયદેસરના વીજજોડાણ કાપી દેવાયાં હતાં. 100 કલાકના આદેશ બાદ પોલીસે કડક
બનીને કાર્યવાહી શરૂ કરી છે. દેશી દારૂ તથા મિલકત,
શરીર સંબંધી ગુના વારંવાર આચરનારા શખ્સોના રહેણાક મકાનો પર વીજ તંત્રની
ટીમો સાથે પોલીસ પહોંચી હતી અને બિનઅધિકૃત વીજજોડાણ જણાયાં હતાં, ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. કિડાણાના ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા વિરુદ્ધ
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ગુજસીટોક સહિતના નવ ગુના નોંધાયેલા છે, તેનું વીજજોડાણ કટ કરી રૂા. 90,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખારીરોહરના અબ્દુલ મામદ ભટ્ટી
સામે ગાંધીધામ, સામખિયાળી અને કંડલામાં
ભારે કલમો તળે ગુના નોંધાયેલા છે તેમજ ફૈઝલ ઇબ્રાહીમ ભટ્ટી સામે પણ ત્રણ ગુના પોલીસ
ચોપડે ચડેલા છે. બંનેને રૂા. 80,000નું વીજબિલ ફટકારી વીજજોડાણ કાપી નખાયાં હતાં. આધોઇના ઇકબાલ આમદશા સૈયદ સામે
લાકડિયામાં એક તથા જશાપરવાંઢના હાજી આમદ ત્રાયા વિરુદ્ધ સામખિયાળીમાં જુદી-જુદી કલમો
તળે છ અને લાખાપરના વિજય રામા કોળી વિરુદ્ધ કુલ આઠ ગુના નોંધાયેલા છે. ત્રણેયના વીજજોડાણ
કાપી ત્રણેયને કુલ રૂા. 2,50,000નું
વીજબિલ આપવામાં આવ્યું હતું. આડેસરમાં રહેતા બાલા રૂપા કોળી સામે દારૂ સંબંધી 15 ગુના પોલીસ ચોપડે ચડેલા છે
તેમજ ભીમાસરના કાના હાજા બાયડ (રાજપૂત) સામે જુગારધારાના બે ગુના નોંધાયા છે. આ બંનેનાં
વીજજોડાણ કાપી બંનેને કુલ રૂા. 60,000નો દંડ ફટકારવામાં
આવ્યો હતો. કંડલા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી. ડી.પી.એ.ના વીજ વિભાગના અધિકારીઓને
સાથે રાખીને કામગીરી કરી હતી. હુસેન અબ્દુલ જામ સામે હત્યાની કોશિશ સહિતના બે, અજિત ઉર્ફે નાનકો જંગબહાદુર શુક્લા સામે મારામારી
સહિતના બે તથા જલાલ અસલમ ખાન સામે પણ બે ગુના નોંધાયેલા છે. આ ત્રણેય તથા ફાતમાબેન
રહેમાન જામ, હારૂન જુમા ચામડિયા, ઉમરદીન
હસન કટિયા, અસલમ હસન કટિયા, સોનબાઇ શૌકતઅલી
જામ તથા કનૈયા નાયડુનાં બિનઅધિકૃત વીજજોડાણ કાપી નાખવામાં આવ્યાં હતાં. પોલીસે આ કાર્યવાહી
અવિરત ચાલુ રાખી હતી, જેના કારણે આવા શખ્સોમાં ફફડાટ પ્રસર્યો
હતો.