ભુજ, તા. 17 : ગત
તા. 4-3ના શહેરમાં કારમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ સ્ટેટ
મોનીટરીંગ સેલે કર્યો હતો જેમાં મીત ઉર્ફે બબુ કાંતીલાલ કોટકની મુદ્માલ સાથે ધરપકડ
કરી હતી અને તેના મોબાઇલમાંથી મળેલી વિગતોના આધારે આ ગુનામાં સંડોવાયેલા પાંચ
આરોપીને એલસીબીએ દબોચી લીધા છે. અને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય
રહ્યા છે. આ ક્રિકેટ સટ્ટા કેસની આગળની તપાસ એલસીબીને સોંપાતા આ કેસમાં સંડોવાયેલા
નિરજ હરેશભાઇ પરમાર (દરજી) (માધાપર),
મીત તેજસભાઇ રાઠોડ (પંચાલ) (માધાપર), જુણસ
જુમા હિંગોરજા (ભુજ), ધવલ વિનોદભાઇ ઠક્કર (ઉમેદનગર-ભુજ) અને
દીપક વસંતભાઇ ઠક્કર (હિંગલાજવાડી-ભુજ)ની અટક કરવામાં આવી છે. આ કેસની વિગતો મુજબ
ગત તા. 4-3ના ચેમ્પિયન ટ્રોફીની ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ફાઇનલ
ક્રિકેટ મેચ ઉપર ભુજના મુંદરા રોડ ઉપર કારમાં ઓનલાઇન સટ્ટો રમાડતા મીત ઉર્ફે બબુને
રાજ્યસ્તરની પોલીસે ઝડપીને અડધી રાત્રે તા. 5-3ના બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો
નોંધાવ્યો હતો. બબુના મોબાઇલમાંથી સતર આઇડી મળી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને
ઝડપવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના માર્ગદર્શન આપતા એલસીબીના પી.આઇ. એસ.એન. ચુડાસમા, પીએસઆઇ એચ. આર. જેઠી,
વાય.કે. પરમારે એલસીબીના પોલીસ કર્મચારીઓને આ સટ્ટાના કેસમાં
સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી. જેના પગલે એલસીબીની ટીમે આ પાંચે આરોપીને ઝડપી લીધા હતા આ પાંચેય
આરોપીને એલસીબીએ ભુજના બીજા અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી
પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આમાં સરકાર
તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતી હાજર રહ્યા હતા.