ગાંધીધામ, તા. 17 : ભચાઉમાં
માનસરોવર ફાટકની બાજુમાં મેદાનમાંથી ત્રણ શખ્સની અટક કરી પોલીસે બે દેશી બંદૂક
જપ્ત કરી હતી. ભચાઉમાંથી હિંમતપુરા વિસ્તારના શબીર કેસર નારેજા, શિકારપુરના સુલ્તાન
ગુલામ સમા, હબીબ રમજાન ત્રાયા નામના શખ્સોની પોલીસે ધરપકડ
કરી હતી. આ ત્રણેય માનસરોવર ફાટક નજીક મેદાનમાં બાઈક સાથે હાજર હતા. દરમ્યાન પૂર્વ
બાતમીના આધારે પોલીસે તેમને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી 53 ઈંચની
એક તથા એક 47 ઈંચની એમ કુલ રૂા. 10,000ની બે દેશી બંદૂક જપ્ત કરી હતી
તેમજ નંબર પ્લેટ વગરની બાઈક હસ્તગત કરાઈ હતી. આ શખ્સોએ પોતાની પાસે બંદૂક કેવા
હેતુસર રાખી હતી તથા ક્યાંથી મેળવી હતી,
તે બહાર આવ્યું નહોતું, જેની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.