ગાંધીધામ, તા. 3 : ભચાઉ
તાલુકાના નાની ચીરઇ નજીક પગપાળા જતા અમરસિંહ સેવારામ સિન્ધુ પટેલ (ઉ.વ. 56)ને
અજાણ્યા વાહને હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું. બીજીબાજુ વરસામેડીમાં વેલસ્પન
ગેટ પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતાં પવનકુમાર કિશોરીરામ (ઉ.વ. 21)એ જીવ
ખોયો હતો. મધ્યપ્રદેશમાં રહેનાર ફરિયાદી લખમશી રામશી ભલાઇ માલવી તથા અમરસિંહ
મધ્યપ્રદેશથી ચોખા ભરી કંડલા ખાતે આવ્યા હતા. અહીંથી બંને ટ્રક લઇને મોરબી જઇ
રહ્યા હતા પણ મોરબીમાં માલ તૈયાર ન હોવાથી બંને વાહન ઊભું રાખીને નાની ચીરઇ ખાતે
રોકાઇ ગયા હતા. ગત તા. 1/2ના રાત્રે બંને વાહનની કેબિનમાં
સૂતા હતા, બાદમાં
અમરસિંહને કામ પડતાં નીચે ઊતરી પગપાળા જઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને આ
આધેડને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. બીજીબાજુ
વરસામેડીમાં ચૌધરી કોલોની-1માં રહેનાર પવનકુમાર નામના
યુવાને જીવ ખોયો હતો. ગઇકાલે બપોરે શ્રમિક એવો આ યુવાન વેલસ્પન ગેટ પાસે આવેલ
નર્મદા કેનાલમાં નાહવા પડયો હતો જેમાં તે પાણીમાં ગરકાવ થતાં તેનું મોત થયું
હોવાનું પોલીસે જણાવ્યું હતું.