• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

દેશી દારૂ પર પોલીસનો સપાટો

ભુજ, તા. 10 : કચ્છમાં ફેલાયેલી દેશી દારૂની બદી જાણે ગૃહઉદ્યોગ તરીકે સ્થાન પામી હોય તેની છેલ્લા લાંબા સમયની અનુભૂતિ વચ્ચે માંડવી તાલુકાના પાંચોટિયાની સીમમાં ચાલતા દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી રૂા. 30,000નો મુદ્દામાલ કબજે ર્ક્યો હતો. અલબત્ત, આરોપી વિશ્રામ ઉર્ફે પપ્પુ કલ્યાણ ગઢવી હાજર મળ્યો નહોતો. બીજી તરફ નખત્રાણા તાલુકાના નાગવીરી-નેત્રા માર્ગ પર આવેલી વાડીમાં પણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી અને રૂા. 55,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પાંચોટિયા ગામની સીમમાં આવેલા તળાવની પાસે બાવળોની ઝાડીઓ વચ્ચે ગેરકાયદે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી. દરોડા સમયે આરોપી હાજર મળ્યો નહોતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો 1200 લિટર આથો કિ. રૂા. 30,000 જપ્ત કર્યો હતો, જેને માંડવી પોલીસ ખાતે સોંપાયો હતો અને આરોપી વિશ્રામ ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ નખત્રાણા તાલુકાના નાગવીરીથી નેત્રા જતા માર્ગ પર આવેલી વિજય ઉર્ફે સન્ની દેવરાજ ગઢવી નામના શખ્સના કબજાની વાડીમાં પાણીના છેલાની બાજુમાં ગેરકાયદે દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. અલબત્ત, આ દરોડામાં પણ આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે દારૂ બનાવવાનો આથો તથા શરાબ સહિત કુલ રૂા. 55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને દરોડાની કાર્યવાહીમાં એલસીબી પીઆઈ શ્રી ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ પાંચોટિયામાં એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, વાલાભાઈ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહીલ તથા સૂરજભાઈ વેગડા, જ્યારે નેત્રામાં એસએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા, વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, મહિપાલસિંહ પુરોહિત તથા કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી અને ડ્રાઈવર મહેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd