• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

મોખાણામાં મોબાઈલ ગેમમાં હાર થતાં તરુણનો આપઘાત

ભુજ, તા. 10 : તાલુકાના મોખાણામાં ઓનલાઈન ગેમમાં હાર થતાં કાર્તિક કાનજીભાઈ મેરિયા (ઉ.વ. 17) નામના તરુણે આપઘાત કર્યો હતો, બીજી તરફ અબડાસા તાલુકાના નલિયા ગામમાં સેન્ટ્રિંગનું કામ કરતી વેળાએ ચોથા માળેથી પટકાતાં મૂળ મહિસાગરના લાલાભાઈ ભગવાનભાઈ માલીવાડ (ઉ.વ. 28) નામના યુવાનનું મોત થયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી તરુણ મોખાણા સ્થિત પોતાના ઘરે હતો ત્યારે મોબાઈલમાં કોઈક ગેમ રમતો હતો, જેમાં હારી જતાં હતાશ થયો હતો અને બાદમાં તેણે અંતિમ પગલું ભરતાં નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ આદરી છે. બીજી તરફ વધુ એક અપમૃત્યુનો બનાવ નલિયામાં બન્યો હતો. અહીં ચોથા માળે સેન્ટ્રિંગનું કામ કરતો યુવક લાલાભાઈ નીચે પટકાતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું હતું. નલિયા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd