ગાંધીધામ, તા. 10 : આ શહેરની છ ટ્રાન્સપોર્ટ પેઢીઓ પાસેથી ટ્રક-ટ્રેઇલરો
ભાડે લઇ બાદમાં ચૂકવણું ન કરનારા શખ્સ વિરુદ્ધ રૂા. 17,44,491ની છેતરપિંડી, વિશ્વાસઘાતની
કલમો તળે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની છ ટ્રાન્સપોર્ટ પેઢીઓ સાથે છેતરપિંડીના આ બનાવ
અંગે આદિપુરમાં રહેતા અને ગાંધીધામ સેકટર-10-એ.માં ડી.એલ. શિપિંગ સર્વિસ નામની પેઢી
ચલાવતા ઇન્દરકુમાર લછમનદાસ ભોજવાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા.
11-9ના પોતાની ઓફિસે હતા ત્યારે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે છેડેથી અંગત
નામ જણાવી પોતે મોડાસા ગામે જીરાવાલા લોજિસ્ટિક કંપનીમાં એચ.આર. વિભાગમાં મેનેજર તરીકે
કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પોતાની કંપની આયાત-નિકાસ કરે છે. મુંદરા ખાતે આવેલ
માલસામાન માટે કન્ટેઇનર ગાડીઓ ભાડે જોઇતી હોવાની વાત કરી હતી. ફરિયાદીએ આ ઠગબાજની કંપનીની
વિગતો મગાવતાં તેણે મોકલાવતાં તેમાં જી.એસ.ટી. નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી.
ફરિયાદીને વિશ્વાસ બેસતાં તેમણે ત્રણ કન્ટેનર ગાડીઓ મુંદરા ખાતે મોકલાવી હતી. જેમાં
એક ગાડીનું રૂા. 39,000 તથા અન્ય બે ગાડીનું ભાડું રૂા. 80,000 ફરિયાદીએ જણાવ્યું હતું.
એક ગાડી અમદાવાદના બાવલા તથા અન્ય બે બાગોદરા ખાતે મોકલવાનું અંગતે જણાવ્યું હતું.
બાદમાં આ શખ્સે સાત વધુ ગાડી મોકવાનું કહ્યું હતું. બાદમાં બધાનું ચૂકવણું કરી આપવા
વિશ્વાસ આપ્યો હતો. ફરિયાદીએ વાહનો મોકલાવ્યાં બાદ રૂા. 4,77,785 ન મળતાં ફરિયાદીએ
પોતાના દીકરાને મોડાસા ખાતે કંપનીની તપાસ અર્થે મોકલાવ્યો હતો જ્યાં કંપનીના માલિક
કેયૂર વોરાએ આવો કોઇ શખ્સ પોતાની પાસે કામ ન કરતો હોવાનું અને આ અંગત નામના શખ્સે તેમની
સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. કેયૂર વોરાએ એક આધારકાર્ડ આપતાં તેમાં
જયદીપસિંહ રાઠોડ નામ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ફરિયાદીએ તપાસ કરતાં આ શખ્સે
ગાંધીધામની સાંઇકૃપા ટ્રાન્સપોર્ટ સાથે રૂા.
2,21,795, અજંતા લોજિસ્ટિક સાથે રૂા. 80,800, બી.એમ. લોજિસ્ટિક સાથે રૂા.
3,35,000, ઓસવાલ મરીન સર્વિસ કંપની સાથે રૂા. 3 લાખ, કચ્છ ટ્રાન્સ શિપિંગ કંપની સાથે
રૂા. 3,19,360ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. આઠ પેઢી સાથે રૂા.
17,44,491ની છેતરપિંડી મુદ્દે ફરિયાદ નોંધાઇ હતી. આ ઠગબાજએ અગાઉ એશિયન લોજિસ્ટિક સાથે
રૂા. 11,68,545ની છેતરપિંડી કરી હતી જે અંગે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. આ
શખ્સ ઉપર મેચલોગ પ્રા. લિ. નામની કંપનીએ રૂા. 32,27,000નો ચેક બાઉન્સનો કેસ કર્યો હતો.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.