ભુજ, તા. 1
: કચ્છના જુદા-જુદા તાલુકામાં 18 જેટલી કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું સંચાલન કરતાં
સમગ્ર શિક્ષા કચેરીના મુખ્ય સંચાલિકા (જિલ્લા જેન્ડર) સામે માનસિક ત્રાસની ફરિયાયો
ઊઠવા પામી છે અને આ અંગે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
સમક્ષ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. અબડાસા તાલુકાના નલિયા સ્થિત કસ્તૂરબા ગાંધી
બાલિકા વિદ્યાલયમાં આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવતા ભાવિશાબેન ગોસ્વામીએ જિલ્લા
પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાને કરેલી
લેખિત ફરિયાદ મુજબ જિલ્લા કચેરીના મુખ્ય સંચાલિકા (જિલ્લા જેન્ડર) જસ્મિકાબેન મોદી
દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેઓ દ્વારા ખોટાં બિલો પર સહી કરાવવા
દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ આ પત્રમાં કરાયો છે. વળી સમયસર બિલો ન મળવાથી શાકભાજી,
કરિયાણું, દૂધ, પાણી કોઈ વેપારી આપતા નથી તેમજ તમામ શિક્ષકો, ચોકીદાર, વોર્ડન, રસોયા
વગેરેનો છેલ્લા પાંચ મહિનાથી પગાર પણ થયો નથી, જે બાબતે ગાંધીનગર ફોન દ્વારા જાણ કરાતાં
મારી વિરુદ્ધ વિદ્યાલયની બાલિકાઓને ઉશ્કેરી ફરિયાદો કરવામાં આવી છે. આ જિલ્લા જેન્ડર
વિરુદ્ધ અન્ય બાલિકા વિદ્યાલયના જુદા-જુદા
વોર્ડન બહેનોએ પણ માનસિક ત્રાસ અપાતો હોવાની રજૂઆતો પણ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા
પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક
સાધતાં તેમણે કહ્યું કે, જિલ્લા જેન્ડર વિરુદ્ધ આવલી રજૂઆતો બાદ તેમને બે વખત નોટિસ
અપાઈ છે. બાકી નાણાકીય વ્યવહારમાં અનિયમિતતા હશે તો તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવાની
ખાતરી શ્રી વાઘેલાએ આપી હતી.