ગાંધીધામ, તા. 4 : શહેરના વોર્ડ-12-બીમાં સોની વેપારીને બ્રેસ્લેટનું
ખોટું બિલ, ટેસ્ટિંગ રિપોર્ટ બતાવી એક શખ્સે વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સોનાની ચેઈન
તથા રોકડ રૂપિયા મેળવી રૂા. 1,86,000ની છેતરપિંડી કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી દીપક જયંતીલાલ
ગુસાણી નામના આધેડ વોર્ડ 12-બીમાં પ્લોટ નંબર 240, દુકાનન નંબર ચારમાં મનાલી જ્વેલર્સ
નામની દુકાન ચલાવે છે. ગત તા. 10/1ના ફરિયાદી અને તેમના બે દીકરા દુકાનમાં હાજર હતા
ત્યારે એક શખ્સ ત્યાં આવી સોનાનું બ્રેસ્લેટ બતાવી પોતાને રૂપિયાની જરૂરિયાત હોવાનું
કહ્યું હતું. વેપારીએ બિલ માગતાં ચામુંડા જ્વેલર્સ રાજકોટનું બિલ તથા જય અંબે ટચ લેબની
સોનાના ખરાઈની રસીદ આપી હતી. તેનું આધારકાર્ડ માગતાં તેમાં રાજેશ ભાલોડિયા લખેલું હતું.
બ્રેસ્લેટની અવેજીમાં આ શખ્સ રૂા. 71,000ની સોનાની ચેઈન લઈ બાકીના રૂપિયા પોતાના મિત્ર વનરાજ જગાના ખાતામાં
જમા કરાવવાનું કહ્યું હતું, જેથી ફરિયાદએ વનરાજના ખાતામાં રૂા. 1,15,000 જમા કરાવ્યા
હતા, બાદમાં ફરિયાદીએ જયઅંબે ટચ લેબમાં સોનાની ખરાઈ કરાવતાં 2.91 કેરેટ તથા અંબિકા
ગોલ્ડ ટેસ્ટિંગ લેબમાં તપાસ કરાવતાં 3.04 કેરેટ સોનું હોવાનું બહાર આવ્યું હતું. પોતે
છેતરાઈ ગયા હોવાનું બહાર આવતાં ફરિયાદીએ આ બન્ને આરોપીઓનો સંપર્ક કરવા જતાં આ શખ્સો
રૂપિયા કે ચેઈન પરત આપતા નહોતા. પોલીસે બન્ને વિરુદ્ધ છેતરપિંડીની કલમો તળે ગુનો નોંધી
આગળની તપાસ હાથ ધરી છે.