• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં ગંજીપાના વડે જુગાર રમતા 18 ખેલી ઝડપાયા

ગાંધીધામ, તા. 6 : પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેની ચાર જુદી-જુદી કાર્યવાહી કરીને 12 ખેલીઓને રોકડ રૂા. 74,120 સાથે પકડી પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બીજી બાજુ નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં પડાયેલા દરોડામાં છ ખેલીને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 4,200 જપ્ત કરાયા હતા. - ભીમાસરમાં છ ખેલીની ધરપકડ : અંજાર તાલુકાના ભીમાસર ગામમાં તળાવની પાળે હુશેનશા પીરની દરગાહ નજીક ખુલ્લી  જગ્યામાં આજે સાંજે જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને ભીમાસર, પશુડા તથા ટપ્પરના શંભુ રામજી હેઠવાડિયા, શામજી ભચા મ્યાત્રા, ગગુ મેમા ડાંગર, નારાણ દેવરાજ ઝેર, રાજા ખેંગાર ડાંગર, અરજણ ભચા છાંગા નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 31,120 જપ્ત કરવામાં આવ્યા હતા. - નંદગામમાં ત્રણ ઝડપાયા : એક નાસી છૂટયો : ભચાઉ તાલુકાના નંદગામમાં બાવળની ઝાડીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં જુગાર ખેલતા રામજી પાંચા આહીર, અકબર જુસબ કોરેજા તથા શંભુ બાબુ આહીરને પકડી લેવાયા હતા, જ્યારે ગોવિંદ કરશન આહીર નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 21,000 હસ્તગત કરવામાં આવ્યા હતા.  - રાપરમાં એક નાસી ગયો : ત્રણ ઝડપાયા : રાપરના દૂધ ડેરી વિસ્તારમાં આજે બપોરે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો. ત્યારે પોલીસે અહીં છાપો મારીને છગન મોમાયા કોળી, હાજી મોડજી સમા તથા મનજી અરજણ ગોહિલને પકડી પાડયા હતા. જ્યારે માનજી જીવણજી સમા નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,700 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 26,700નો મુદ્દામાલ જપ્ત કરાવામાં આવ્યો હતો. - ગાંધીધામમાં પણ ત્રણ ઝડપાયા : ગાંધીધામના મચ્છુનગર ભરવાડ વાસમાં પોલીસે દરોડો પાડયો હતો. અહીં ગંજીપાના વડે નસીબ અજમાવતા નારણ વજા ભરવાડ, ધીરજ મેઘજી ગોહિલ તથા સુરેશ બાબુ કોળીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,300 હસ્તગત કર્યા હતા. - નિરોણામાં છ પકડાયા : નિરોણા ગામમાં આવેલા લૈયાવાળા વાસમાં સ્થિત ધનજી માલા મહેશ્વરીના રહેણાકના મકાન બહાર આવેલા વાડામાં જુગાર પ્રવૃત્તિ ચાલતી હોવાની પૂર્વ બાતમીના આધારે નિરોણા પોલીસે કરેલી કાર્યવાહીમાં ધનજી ઉપરાંત પબા માલા મહેશ્વરી, વાલા હમીર મહેશ્વરી, કાનજી પુંજા મહેશ્વરી, મુરજી નારણ મહેશ્વરી અને ખેરાજ દેશર મહેશ્વરીને પકડી પડાયા હતા, તેમની પાસેથી રોકડ રૂા. 4,200 કબજે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang