ભુજ, તા. 4 : મુંદરાના નાના કપાયામાં રહેણાંક બિલ્ડિંગની છત
પરથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયેલા મૂળ મધ્યપ્રદેશના 37 વર્ષીય યુવાન સુરેશકુમાર
વીરેન્દ્રકુમાર સિંહનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું, જ્યારે તા. 21/7ના પોતાની અસહાય
હાલતથી કંટાળી ઝેરી દવા ગટગટાવનારા ભુજના 84 વર્ષીય વૃદ્ધ ઘનશ્યામભાઇ ઝવેરીલાલ ભટ્ટનું
સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજીતરફ?અબડાસા તાલુકાના મોટી બેર પાસે એકાદ માસ
પૂર્વે બાઇક પરથી નીચે પડી જતાં હેમરેજના લીધે મૂળ પોરબંદર હાલે સાંઘીપુરમ રહેતા મગનભાઇ
દેવજીભાઇ કોરડિયાનું પોરબંદરમાં સારવાર દરમ્યાન મોત થયાનું જાહેર થયું છે. મુંદરાના
નાના કપાયામાં રહેતા મૂળ મધ્યપ્રદેશ અમેઠી જિલ્લાના 37 વર્ષીય યુવાન સુરેશકુમાર વીરેન્દ્રકુમાર
સિંહ ગત તા. 2/8ના રાતે પોતાના મકાનના પહેલા માળની છત ઉપરથી પડી જતાં ગંભીર ઇજા થતાં
તેનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.
ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ, નરસિંહ મહેતા નગર, એકતા સુપરમાર્કેટ પાછળ રહેતા 84 વર્ષીય
ઘનશ્યામભાઇ ઝવેરીલાલ ભટ્ટ ઉંમરથી કંટાળી તેમજ હાલી-ચાલી શકતા ન હોવાથી તા. 21/7ના પોતાના
ઘરે ઝેરી દવા પી જતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં સારવાર
દરમ્યાન ગઇકાલે તેમણે અંતિમશ્વાસ લીધા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી કાર્યવાહી હાથ?ધરી છે. અબડાસા તાલુકાના મોટી બેરથી સાંઘી ચોકડી વચ્ચે રોડ?ઉપર ગત
તા. 4/7ના રાત્રે મોટર સાઇકલ નં. જી.જે. 12 ઇ.એલ. 7992વાળી લઇને મગનભાઇ?દેવજીભાઇ કોરડિયા
(રહે. સાંઘીપુરમ, મૂળ પોરબંદર) જતા હતા, ત્યારે પડી જતાં પેટ?અને માથાના ભાગે હેમરેજ
જેવી ગંભીર ઇજા પહોંચતાં પ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે
તેમના વતન પોરબંદરની જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તા. 8/7ના તેમનું સારવાર દરમ્યાન
મૃત્યુ થતાં ગઇકાલે વાયોર પોલીસ મથકે મૃતક મગનભાઇના પત્ની રેખાબેને વિગતો જાહેર કરી
મગનભાઇ પૂરપાટ-બેદરકારીથી બાઇક ચલાવી પડી જતાં પોતાને ઇજા પહોંચાડી મોત નીપજાવ્યાનો
ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.