• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામના વેપારીઓ પાસેથી 53 લાખ મેળવી છેતરપિંડી આચરાઇ

ગાંધીધામ, તા. 4 : શહેરના લાકડાના ત્રણ વેપારીને લાકડા અપાવવાના વાયદા કરી તેમની પાસેથી રૂા. 53,04,875 સિંગાપોરની બેન્કમાં ટ્રાન્સફર કરાવી બાદમાં લાકડાં કે પૈસા પરત ન આપતાં દિલ્હીના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના સેક્ટર-પાંચમાં રહેતા તથા મીઠીરોહર ખાતે લક્ષ્મણ ટિમ્બર પ્રા. લિમિટેડ નામની પેઢી ધરાવતા શરદ યશપાલ ડેમ્બલાએ બનાવ અંગે દિલ્હીના રાજીવ ઠાકુર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ આરોપીએ ફરિયાદીને વિદેશથી લાકડા મગાવી આપ્યા હતા, દરમ્યાન આ શખ્સે યુ.એસ.ની વેરહાઉસ યુ.એસ. હોલ્ડિંગ એલએલસી કંપની છે, જે લાકડાનું કામ કરે છે, ત્યાંથી માર્કેટ ભાવ મુજબ લાકડાં મળી શકશે. લાકડાંના સોદાની તમામ જવાબદારી પોતાની હોવાનું કહી ફરિયાદીને  વિશ્વાસમાં લીધો હતો. એક્સપોર્ટ પરચેઝ એગ્રીમેન્ટ થયા બાદ 75 કન્ટેઇનરના 20 ટકા એડવાન્સ પેટે રૂા. 37,99,287ની માંગ કરાતાં ફરિયાદીએ આ કંપનીના સિંગાપુરના સિટી બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જેની જાણ આરોપીને કરાઇ હતી. બાદમાં લાકડા અંગે પૂછપરછ કરાતા આરોપીએ  પોતાની કોશિષ ચાલુ હોવાનું કહી વાયદા કર્યા હતા, પરંતુ બાદમાં માલ કે પૈસા પરત આપ્યા નહોતા. બાદમાં ફરિયાદીને મીઠીરોહર ખાતે એમ.એસ. દીપક ટિમ્બર સ્ટોર ચલાવતા નવીનકુમાર સુરેશકુમાર સિંગલા મળતાં આ આરોપીએ તેમની પાસેથી પણ આવી રીતે લાકડાના બહાને રૂા. 10,08,244 પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું તેમજ એ.એન. ટિમ્બર પ્રા. લિમિટેડના આશિષ વિનોદકુમાર ગર્ગને પણ આવી રીતે વિશ્વાસમાં લઇ તેમની પાસેથી રૂા. 4,97,344 લઇ લેવાયા હતા. આ ત્રણેય વેપારીને લાકડા અપાવવા વિશ્વાસમાં લઇ તેમની પાસેથી કુલ રૂા. 53,04,875 લઇ લાકડા કે લીધેલા પૈસા પરત ન કરતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang