ભુજ, તા. 4 : નવેક માસ પૂર્વે પ્રેમ સંબંધમાં નડતરરૂપ બનનારા
શખ્સની મિરજાપર પાસે આરોપીએ સાગરીતો સાથે મળી છરી વડે હત્યા કર્યાના બનાવમાં આરોપીના
જામીન મંજૂર થયા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા.8/12/23ના ફરિયાદીએ એવા આક્ષેપવાળી
ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અમીન સલીમ સૈયદ
(રહે. ભુજ)ના પ્રેમ સંબંધમાં મૃતક નડતરરૂપ થતો હતો અને પ્રેમસંબંધને લઈ અવાર-નવાર ઝઘડા
થતા હોઈ આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી મરણજનાર સાથે સુખપરમાં
લગ્નમાં ગયા હતા અને બહાર સુમસાન જગ્યા પર બોલાવી છરી તથા પથ્થરો વડે મારી હત્યા નીપજાવ્યાની
ફરિયાદ નોંધાયા બાદ આરોપી અમીનની અટક કરતા તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
આરોપી અમીને સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરતા તેના જામીન મંજૂર થયા છે.
આરોપી તરફે વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, આઈ.એ. કુંભાર,
ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા. - લોનના બહાને છેતરપિંડીના આરોપીઓના જામીન નામંજૂર : માનકૂવા રહેતા દીપ ભરતભાઇ વ્યાસ
અને તેમની પત્નીનાં નામે ઇલેકટ્રોનિકા ફાયનાન્સ લિ. કંપનીમાંથી સરકારી મુદ્રા યોજના
હેઠળ લોન મંજૂર કરાવી આપવાના બહાને વિશ્વાસ કેળવી આરોપીઓએ જરૂરી કાગળો મેળવી બારોબાર
લોન મંજૂર કરાવી રકમ ફરિયાદી દીપને આપવાના બદલે બારોબાર ઉપાડી લીધાની માનકૂવા પોલીસ
મથકે આરોપીઓ સૌકત આમદ સમેજા, અખ્તર દાઉદ સમેજા અને રિયાઝ રજાકભાઇ રાયમા સામે ફરિયાદ
નોંધાવી હતી, જેથી તેઓની અટક કરવામાં આવી હતી, જેથી ત્રણેના જામીન નીચલી કોર્ટમાં નામંજૂર
થતાં જેથી સેશન્સ કોર્ટ સમક્ષ રિયાઝ અને અખ્તરે જામીન અરજી કરતાં સાતમા અધિક સેશન્સ
જજે જામીન નામંજૂર કર્યા હતા. ફરિયાદીના એડવોકેટ ઋષિ જે. ઉપાધ્યાય, વિશાલ બી. મકવાણા,
સાજીદ આઇ. તુરિયા હાજર રહ્યા હતા. - તારીખમાં
છેડછાડવાળા ચેક પરત કેસમાં આરોપી નિર્દોષ : ચારેક વર્ષ અગાઉ વર્ષ 2019માં
આરોપી ભુજ નગરપાલિકાના કર્મચારી દક્ષેશ મહેન્દ્રરાય ભટ્ટ દ્વારા માધાપરના ફરિયાદી મંજુલાબેન
હસમુખ અબોટીને સમાધાન પેટે રૂા. 50,000 (પચાસ હજાર)નો ચેક આપવામાં આવેલો તે ચેકની તારીખમાં
વ્હાઇટનર દ્વારા છેડછાડ કરી વર્ષ 2019ની જગ્યાએ વર્ષ 2022 કરી ફરિયાદી દ્વારા ચેક બેન્કમાં
બાઉન્સ કરી ફરિયાદ કરવામાં આવી હતી અને આ કેસ ભુજના અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી
ગુપ્તાની કોર્ટમાં ચાલી જતાં ચેકની તારીખમાં નરી આંખે દેખાય તેવા છેડછાડ કરી બેંકમાં
રજૂ કરેલો હોવાનું ફલિત થતાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ એ.આર. મલેક અને તેમની સાથે જગદીશ ગોસ્વામી, પ્રફુલ્લ સીજુ,
નવીન આર. સીજુ, કેશવ ભદ્રુ તથા અફસાના એમ. સાટી હાજર રહ્યા હતા. - જમીન કેસમાં મુંદરા કોર્ટનો મનાઈ હુકમ રદ્દ : મુંદરા તાલુકાના રતડિયા ગામમાં આવેલી ખેતીની જમીન અંગે મનાઈ
હુકમ મેળવવા પચાણ પેથા મહેશ્વરીએ નોંધાવેલો દાવો મુંદરા કોર્ટે મંજૂર કર્યા બાદ પ્રતિવાદી
ખુશ્બૂબેન ચાવડાએ જિલ્લા અદાલતમાં પડકાર્યો હતો. ડિસ્ટ્રીક્ટ અદાલતે બંને પક્ષની દલીલ
સાંભળ્યા બાદ પ્રતિવાદીની અપીલ મંજૂર રાખી મુંદરા કોર્ટનો મનાઈ હુકમનો આદેશ રદ્દ કર્યો
હતો. આ કેસમાં પ્રતિવાદી વતી વકીલ વી.પી. આલવાણી,
વિશાલ કાનન, વર્ષા કાનન, મનીષ ગઢવી, રાજેશ એન. કેશવાણી, વિમલેશ મારુ, નિસર્ગ ચેતનાની
અને વિવેકસિંહ જાડેજા હાજર રહ્યા હતા.