• બુધવાર, 31 મે, 2023

શિકારપુરમાં વન વિભાગના કર્મીની ફરજમાં રૂકાવટ કરનારા સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 25 : ભચાઉ તાલુકાના સામખિયાળી માળિયા ધોરીમાર્ગ પાસે હોટેલ રાજ પેલેસની બાજુમાં શિકારપુર વિસ્તારમાં વન વિભાગના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉમાં રહેતા અને પૂર્વ કચ્છ ભચાઉ નોર્મલ રેન્જ વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગઇકાલે સાંજે તેમને વ્હોટસએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં શિકારપુર ગામે રાજ પેલેસ હોટેલની બાજુમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર બંધ પાળા બાંધ્યા છે અને હાલે પણ કામ ચાલુ છે પાંચ ટ્રેકટર ચાલુ છે. આપને વિનંતી છે કે આ કામ બંધ કરવા અપીલ છે. વગેરે લખેલું હતું. આ કાર્યક્ષેત્ર ફરિયાદીની હદમાં આવતું હોવાથી તેઓ મેસેજની ખરાઇ કરવા આ જગ્યાએ ગયા હતા. પરંતુ ત્યાં આવી કામગીરી કે ટ્રેકટર તેમને જણાયા નહોતા. જેથી તેમને મેસેજ કરવાવાળી વ્યક્તિને તેમણે ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. તેવામાં વિટારા બ્રિઝા ગાડી નંબર જી.જે. 24 એ.એફ. 5161 લઇને શિકારપુરનો વિભા રબારી ત્યાં આવ્યો હતો. અને વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કામગીરી થાય છે તમે કાર્યવાહી કરતા નથી તેવું કહી ફરિયાદી તથા તેમની ગાડીનો વીડિયો ઉતાર્યો હતો. તમને અહીંથી જવા નહીં દઉં બહાર મારા માણસો રોડ ઉપર ઉભા છે. તેમને બોલાવી તમને જોઇ લઇશ તેવી ધાક ધમકી કરી હતી. ફરજમાં રૂકાવટના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.