• શનિવાર, 20 એપ્રિલ, 2024

ગાંધીધામ કાસેઝની આગ હજુએ બેકાબૂ

ગાંધીધામ, તા. 25 : શહેરના કાસેઝમાં આવેલી ખાનગી કંપનીમાં ગઇકાલે બપોરે લાગેલી આગ આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન કાબૂમાં આવી નહોતી. અગ્નિશમન દળોએ તેના ઉપર આજે પણ પાણીનો મારો ચલાવ્યો હતો. શહેરના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (કાસેઝ)માં આવેલી અનિતા એક્સપોર્ટ નામની કંપનીમાં ગઇકાલે બપોરે આગ ભભૂકી ઊઠી હતી. ગઇકાલે ડી.પી.એ., ગાંધીધામ, અંજાર, ભચાઉ નગરપાલિકા, ઇફકોના અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવી નહોતી. આજે ભારે પવન અને કપડાંની ગાંસડીઓમાં રહેલા તણખાઓના કારણે આજે સવારે ફરીથી આગ ભભૂકી ઊઠી હતી. આસપાસમાં રિફાઇનરી અને કેમિકલની કંપનીઓ આવેલી હોવાથી આગની જ્વાળાઓ ત્યાં જાય, તો ભારે નુકસાની થવાની ભીતિ વ્યકત થઇ હતી.કાસેઝ પાસે અગ્નિશમન દળમાં ફાયર ટેન્ડર ઓછા હોવાથી જુદી જુદી જગ્યાએથી લાયબંબાઓની સેવાઓ લેવામાં આવી હતી. આજે જુદા જુદા લાયબંબાઓ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી નહોતી. આ આગ આવતીકાલ સુધીમાં કાબૂમાં આવે તેવી શક્યતા અગ્નિશમન દળના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે કાસેઝના જનસંપર્ક અધિકારીનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉચક્યો ન હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang