ભુજ સુધરાઈની ધૂળ ખાતી દુકાનોનો થશે ઉદ્ધાર

ભુજ, તા. 18 : શહેર સુધરાઈની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2023/24ના 146 કરોડનાં બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જેમાં 30.61 કરોડની પુરાંતનો સમાવેશ કરાયો હતો. સાથોસાથ ભુજમાં નગરપાલિકા દ્વારા બનાવાયેલી દુકાનો, આઉટગ્રોથની ગ્રાન્ટનાં કામો તેમજ પાણી, ગટર, માર્ગ સહિતનાં વિકાસકામોને પણ મંજૂરીની મહોર મરાઈ હતી.ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સભામાં પ્રારંભે પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે સૌને આવકાર્યા હતા. કારોબારી ચેરમેન જગત વ્યાસે વર્ષ 2023/24નું બજેટ, ઓકટોબરથી ડિસેમ્બર-2022ના ત્રિમાસિક હિસાબો, 106 કરોડના રીવાઈઝડ બજેટ તેમજ કારોબારી સમિતિ દ્વારા વિવિધ કામોને અપાયેલી મંજૂરી સહિતના ઠરાવો કર્યા હતા. ઠરાવોમાં ખાસ કરીને સુધરાઈ દ્વારા લેકવ્યૂ પાસે ફૂડકોર્ટ, ટાઉનહોલ તથા ઈન્દ્રાબાઈ પાર્ક પાસે બનાવેલી અને વર્ષોથી ધૂળ ખાતી દુકાનોને જાહેર હરાજીથી ભાડાં પેટે આપવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં બગીચા બનાવવા, પાણી-ગટરનાં કામો, ઈન્ટરલોક, સીસી રોડ, ડામરના માર્ગ સહિતનાં કામો, નવી લાઈટોની ખરીદી, વોક-વે રિનોવેશન, હમીરસર બ્યુટિફિકેશનનાં કામો, આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી વિકાસનાં કામો, પેચવર્ક, એમ.પી.-એમ.એલ.એ.ની ગ્રાન્ટના જનભાગીદારીનાં કામો સહિત 157 ઠરાવને બહાલી અપાઈ હતી. ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ ભારાપર પાણી યોજના બંધ થતાં તેને સંલગ્ન વિસ્તારોમાં નર્મદાનું પાણી વિતરણ કરવા માટે નવી 100 એચ.પી.ની મોટર ખરીદીનો ઠરાવ રજૂ કર્યો હતો. આ મોટર શિવકૃપા ટાંકે લગાવાશે. મુખ્ય અધિકારી જિગર પટેલ મંચસ્થ તથા શાસક-વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. - વિપક્ષી નેતા-નગરસેવિકાના પતિ વચ્ચે ચકમક ઝરી ? : છેલ્લા લાંબા સમયથી વિપક્ષી વિરોધ કાર્યક્રમને બદલે સુધરાઈની વિવિધ શાખામાં અરજીઓ જ કરી રહ્યો હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આજની સભામાં પણ વિપક્ષમાં અંદરોઅંદર મતભેદ જાહેરમાં બહાર આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતા કાસમ સમાને નગરસેવિકાના પતિ હાસમ સમાએ સભામાં સવાલો પૂછવા અંગે આપેલી સલાહ ન માનતાં બંને વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી અને એકમેકનો વિરોધ છતો થતાં શાસક પક્ષના નગરસેવકોએ આ વિવાદ માણ્યો હતો. જોકે, આ અંગે કાસમભાઈને પૂછતાં તેમણે બાબત નકારી હતી. - તમે પૂરતો અભ્યાસ કરીને આવો : ભુજ સુધરાઈની સામાન્ય સભામાં વિપક્ષી નેતા કાસમ સમાએ વોર્ડ નં. એક અને બેનાં કામોમાં કિન્નાખોરી રખાતી હોવાના આક્ષેપ સાથે અગાઉ મંજૂર થયેલાં કામો પણ કરાયાં ન હોવાનું જણાવતાં સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જવાબ વાળતાં કહ્યું કે, ઠરાવોમાં વોર્ડ એક અને બેનાં કામોનો પણ સમાવેશ કરાયો છે. જેથી ઠરાવોની બુકનો પૂરતો અભ્યાસ કરવા આકરા શબ્દોમાં કહ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com