અણધારી આફતથી આહીરપટ્ટી પાયમાલ

અણધારી આફતથી આહીરપટ્ટી પાયમાલ
બાબુ માતંગ દ્વારા -  નિરોણા (પાવરપટ્ટી), તા. 18 : છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે પાવરપટ્ટીને અડીને આવેલ આહીરપટ્ટીના કેટલાક વિસ્તારમાં ભરપૂર ચોમાસાની મોસમની જેમ ત્રણેક ઇંચ જેટલો અણધાર્યો વરસાદ પડયો હતો. જેને લઇ ખેતીના તૈયાર પાક, પશુપાલન અને જનજીવન પર મોટી અસર થઇ હતી. જેનું જાત નિરીક્ષણ કરવા કચ્છમિત્રની ટીમ શનિવારે સવારથી સુમરાસરના કપરાવાડી વિસ્તાર, મોરી વાડી વિસ્તારથી માંડી પૂર્વે કોટાયના હબો (હબાય) ડુંગરની ધાર સુધી વચ્ચે ઠેર ઠેર ખેતીના તૈયાર પાકોને મોટા પાયે થયેલ નુકસાની ઉપરાંત ઠેર-ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશયી જોવા મળ્યાં હતાં. પંથકમાં અનેક અબોલા જીવો પણ અણધારી આફતની અડફેટે જીવ ગુમાવતાં વિસ્તારમાં લોકોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો જોવા મળી હતી. મુંધ વગર જે મીં મેં ભલીવાર ન વે તેમ ઉનાળાના ફાગણ માસે અષાઢ, શ્રાવણની જેમ સુમરાસરથી માંડી કોટાય સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદે ભારે  પાયમાલી  ઊભી કરી હતી. સુમરાસર (શેખ)થી ઉત્તર-પૂર્વે પાંચેક કિ.મી.નાં અંતરે આવેલા મોરી વાડી વિસ્તાર અને કપરા વાડી વિસ્તારના સીમાડામાં એરંડા, ઘઉંના ઊભેલા પાકોથી છલકાતાં ખેતરો વરસાદના બીજા દિવસે પણ પાલર પાણીથી તરબતર જોવાં મળ્યાં હતાં. કાપણી કરેલ ઘઉંના પાથરા પાણીમાં ગરક તો કયાંક ભારે પવનને લઇ ઊડીને વેર-વિખેર હાલતમાં પડયા હતા. કરાના મારથી ઘઉંનો ઊભેલો સૂકો પાક લચીને ભોય ભેગો થયેલો જણાયો હતો. એરંડાના તૈયાર પાક પર કરાનો માર પડતાં સુકાઇ ગયેલ `ડીડી' જમીન પર ભરાયેલ પાલર પાણીમાં ગરક નજરે ચડી હતી. વાડીવિસ્તારના કાચા રસ્તાઓ પર નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયેલ જોવાં મળ્યાં હતાં. ગામના અગ્રણી વિરમ નથુ આહીર તથા હરિભાઇ આહીરના જણાવ્યા મુજબ ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ઉપરાંત પશુપાલનનો છે. હાલ ગામમાં 17000 જેટલા પશુધન છે. આ પશુઓના ચરિયાણ માટે ખેડૂતો મોટા ભાગે જુવારના ચારાનું વાવેતર કરેલ, જે ચારાનો પાક પાકી પૂરો થયાં પછી ખેડૂતોએ તેને ઉખેડી પૂળાં બાંધી ખેતરો વચ્ચે ઊભા `ઉગા' બનાવી રાખ્યાં હતાં, જેના પર વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટકતા ખેતરોમાં ઠેર-ઠેર જુવારના પુળા ઊડીને વિંખાયેલી હાલત પાણીથી લથપથ જોવા મળ્યાં હતાં. પલડેલો આ ચારો તડકો નીકળ્યાં પછી સુકાતાં દિવસો લાગે તેમ હોઇ ત્યાં સુધી એ ચારો કાળો અને નરમ બની ગયા પછી ચરિયાણ માટે ઓછો ઉપયોગમાં આવે છે. ઘઉંનો પાક પાણીમાં પલડયા પછી તેનો દાણો પણ  કાળો પડી જતાં તેની લિજ્જત જતી રહે છે. અગ્રણીઓના કહેવા પ્રમાણે ગામની અંદાજે 4000 એકરમાં ખેતીના પાકો ભારે પાયમાલ બન્યા છે. સુમરાસરથી ઢોરી જતાં રસ્તા પર ઠેક-ઠેકાણે જોશભેર પાણી વહી નીકળ્યાં પછી આજે પણ રસ્તા પર પાણી સાથે તણાયેલી `ઓલ' (કચરા)ના ઢગલા જોવા મળ્યા હતા. ઢોરી ગામના અગ્રણી ગોપાલભાઇ કાંગીએ ગામમાં ભારે પવન અને વરસાદને લીધે અનેક મકાનો અસરગ્રસ્ત બન્યાં હોવાનું જણાવી તેની સાથે કેટલાક રહેણાંક વિસ્તારની મુલાકાત લેતાં કેટલાંક મકાનોના પતરા અને નળિયા ઊડી ગયેલા જોવા મળ્યા હતા. ગામ નજીકથી  નીકળતાં છછી, ભોજરડો રોડને અડીને આવેલ ગાંડા બાવળ અને પીલુના મોટા વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તાર પિયાવા તરીકે ઓળખાય છે. જ્યાં પશુઓ ભર ઉનાળે છાયડામાં આરામ કરે છે જે પિયાવામાં વેગીલા વાયરાને લીધે અનેક વૃક્ષો જડ-મૂળથી ઉખડી જમીન દોસ્ત નજરે ચડયાં હતાં. આ ગામમાં એરંડાના પાકને વધુ નુકસાન થયું હોવાનું ગોપાલભાઇએ કહ્યું હતું. અહીં વૃક્ષો ઉપરાંત વીજળીના અનેક થાંભલા તૂટી અથવા વીજ-તાર સહિત પડી ભોંય ભેંગા થયાં પછી આજે વહેલી સવારથી પી.જી.વી.સી.એલ.ની ટીમ ઢોરી-કુનરિયા રોડની સાઇડ પર વાહનો સાથે વીજ થાંભલા ઊભા કરવાની કામગીરીમાં જોતરાઇ હતી. કચ્છના જાણીતા હબો (હબાય) ડુંગરની ઓથમાં વસેલ કોટાય ગામના બસ સ્ટેશને ગામના અગ્રણી ભગુભાઇ ભચુભાઇ આહીરની મુલાકાત થયા પછી તેમણે કહ્યું હતું કે, ગઇકાલે આ ગામે 3થી 4 ઇંચ જેટલો વરસાદ નજરે નિહાળ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ ચાર વર્ષો દરમ્યાન ચોમાસાની મોસમમાં પણ આવો વરસાદ જોયો નથી. ભારે વરસાદ બાદ દક્ષિણે ડુંગરાળ વિસ્તારમાં અનેક નદી-નાળા જીવંત બન્યાં હતાં તો વર્ષોથી સુકા-ભઠ્ઠ તળાવ-તળાવડી પણ છલકાઇ ગયાં છે, ખેતીવાડીમાં થયેલા નુકસાન બાબતે આ અગ્રણીએ કહ્યું હતું કે, આ ગામના સીમાડામાં મોટા ભાગે એરંડાનો પાક પુષ્કળ છે. ગઇકાલના વરસાદ સાથે પડેલા મોટા કરાને કારણે એરંડાનો સૂકો પાક કે જમીન પર ઢગલારૂપે પડેલ પાકને મોટી જફા પહોંચી છે. સુમરાસર, ઢોરી અને કોટાય પંથકમાં કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાની નિહાળવા કચ્છમિત્રની ટીમ આવી હોવાના સમાચાર મળતાં આ ગામોના અનેક લોકો એકત્ર થઇ વિસ્તારમાં ખેતી, મકાન, પશુઓ વગેરેને થયેલ નુકસાનીની વિગતો આપી હતી. સાથે જિલ્લાના વહીવટી તંત્રે વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરવા અસરગ્રસ્તો યોગ્ય મદદ સરકાર તરફથી વહેલી તકે મળે તેવી પણ રજૂઆતો કરી હતી. - ત્રણ વર્ષમાં ન છલકાયેલાં તળાવ-તળાવડી કમોસમી વરસાદમાં છલકાયાં :  નિરોણા : પંથકમાં ગઇ કાલે થયેલાં ભારે વરસાદ બાદ નદી-નાળા વહી નીકળ્યા હતાં તો અનેક નાની-મોટી તળાવ-તળાવડીઓ પણ છલકાઇ ગઇ હોવાનું લોકોએ જણાવ્યું હતું. ઢોરી ગામના પિયાવા વિસ્તાર નજીક આવેલ ડનાસર તળાવ છેલ્લાં 12 માસ સૂકોભઠ્ઠ બન્યાં પછી ગઇકાલના વરસાદને કારણે પાંચ છ માસ ચાલે તેટલું પાલર પાણી એકત્ર થયું છે. તો હબાય ડુંગરાળ વિસ્તારના કોટાય નજીક રવેચીધામ પાસેનો  રવેચી તળાય કમોસમી વરસાદના એક ઝાટકે ઓગની ગયા પછી નવા પાલર પાણીથી એ તળાવ હિલોળે ચડયું જોવા મળ્યું હતું. ગામના અગ્રણી ભગુભાઇ આહીરના કહેવા મુજબ હબાયના પહાડી પંથકના ટીટોડીયા તળાવ સહિત અનેક નાની તલાવડી છેલ્લાં ત્રણેક વર્ષોથી ખાલીખમ હતી. જે આ માવઠાના વરસાદમાં છલકાઇ ગઇ છે. જે પ્રથમ બનાવ છે. - અબોલા જીવ પણ આફતના બન્યા ભોગ : ગઇકાલે આહીરપટ્ટીના  કેટલાક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના કડાકા અને મોટા કદના કરા સાથે પડેલા કમોસમી વરસાદને લઇ ખેતીના પાકને પારાવાર નુકસાની થઇ છે. સાથે અનેક અબોલા પશુઓ પણ આ કુદરતી પ્રકોપનાં ભોગ બન્યાં છે. ગામલોકોના જણાવ્યા મુજબ તોફાની વરસાદી માહોલ વચ્ચે આકાશમાંથી ત્રાટકેલી વીજળીએ સુમરાસર ગામની એક ભેંસ, ઢોરી ગામે એક ભેંસ અને એક ગાયને મોતના મુખમાં ધકેલી હતી. ઢોરી ગામે એક વૃક્ષ નીચે બાંધેલી ભેંસ ભારે પવનને લઇ એ વૃક્ષ ભેંસ પર પડયાં પછી ગંભીર રીતે ઘવાયેલી આ ભેંસ હાલ જીવન-મરણ વચ્ચે જંગ ખેલી રહી છે. ઢોરી ગામના સીમાડામાં ચરિયાણ માટે વિચરતી બકરીઓનાં ટોળાં પર બરફના કરારૂપી ટુકડા અને વરસાદનો માર પડયાં પછી આઠ જેટલી બકરીનાં પણ મોત થયાં હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust